- જિલ્લા કોર્ટોમાં જજિસની 5000 જગ્યાઓ ખાલી
- જિલ્લા કોર્ટોમાં જજિસની નિયુક્તિની માન્ય સંખ્યા 25,423
- દેશની કોર્ટોમાં આને કારણે 5 કરોડ કેસ પેન્ડિંગ છે
વિધિ આયોગની ભલામણ છતાં દેશની તમામ કોર્ટોમાં જજિસની મોટાપાયે અછત સર્જાઈ છે. વિધિ આયોગે દર 50 લાખ વ્યક્તિ દીઠ જજોની સંખ્યા 50 રાખવા ભલામણ કરી હોવા છતાં 36 વર્ષથી તેનો અમલ કરવામાં આવ્યો નથી. હાલ દેશમાં દર 10 લાખ વ્યક્તિ દીઠ ફક્ત 21 જજ છે. આમ જજિસની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જજિસની ઓછી સંખ્યાને કારણે લોકોને ન્યાય મળવામાં અક્ષમ્ય વિલંબ થઈ રહ્યો છે. દેશની કોર્ટોમાં આને કારણે 5 કરોડ કેસ પેન્ડિંગ છે. જિલ્લા કોર્ટોમાં જજિસની નિયુક્તિની માન્ય સંખ્યા 25,423 છે જેની સામે હાલ 20,026 જજ નિયુક્ત કરાયા છે આમ જજની 5000 જગ્યાઓ ખાલી છે. સુપ્રીમ કોર્ટમાં જજની એકપણ જગ્યા ખાલી નથી.
હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિ વધારાઈ રહી છે
ભારતનાં વિધિ આયોગે 1987માં દર 10 લાખની વસ્તીએ 50 જજ કોર્ટોમાં હોવા જોઈએ તેવી ભલામણ કરી હતી. તાજેતરમાં ભાજપ સાંસદ દુષ્યંત સિંહે એક સવાલમાં પૂછયું હતું કે સરકાર દ્વારા 50 જજિસનો ટાર્ગેટ પૂરો કરાયો છે કે કેમ જેનાં જવાબમાં કાયદા પ્રધાન અર્જુન સિંહ મેઘવાલે કહ્યું હતું કે, દેશમાં હાલ દર 10 લાખ વ્યક્તિ દીઠ 21 જજિસ કોર્ટોમાં સેવા આપી રહ્યા છે. હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિ વધારવા કેન્દ્ર સરકારનાં વહીવટી તંત્ર તેમજ ન્યાયતંત્ર વચ્ચે સંકલન સાધવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી જિલ્લા કોર્ટો તેમજ નીચલી કોર્ટોમાં જજિસની નિયુક્તિનો સવાલ છે ત્યાં સુધી તેની જવાબદારી હાઈકોર્ટો તેમજ રાજ્ય સરકારો હસ્તક છે.


