- સગા ભાઈના દીકરાના લગ્નમાં સમાજે ધમકી આપતા મૃતકનાં સંતાનોને ના બોલાવ્યા
- દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા વસો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- બનાવની જાણ કરતાં પોલીસે લાશ પરથી કપડાં અને મોબાઈલ કબજે લીધા હતા
નડિયાદના દાવડામાં રહેતા બે સંતાનોના પિતાએ સમાજના કેટલાક માણસોના માનસિક ત્રાસથી કંટાળી અને સમાજે બહિષ્કાર કર્યો હોઈ મનમાં લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ મામલે ગામના સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટી સભ્યો સહિત 14 વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા વસો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે નડિયાદ તાલુકાના દાવડામાં રહેતા મફતભાઈ ચંદુભાઈ પરમારે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ગતતા.15-12-23ના રોજ તેમના માતા ગજરાબેને જણાવ્યું હતું કે કનુ ભાટવાળા ખેતરમાં રીક્ષા લઈને આવતો હતો, જે ખેતરમાં ઉંધો પડેલ છે, કંઈ બોલતો નથી. જેથી મફતભાઈ તથા અન્ય લોકો સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં કનુભાઈ ખેતરમાં ઉંધા પડેલ હતા, તેમની પાસે એક બોટલ પડેલ હતી, અને કનુભાઈના શરીરે પરસેવો થયેલ હતો, મોઢામાંથી સફેદ પ્રવાહી નીકળતું હતું. સ્થાનિકોએ તુરત જ 108ને કોલ કરતાં 108 વાન મારફતે તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ પરના ડૉકટરે ટ્રીટમેન્ટ શરુકરી હતી.
જો કે થોડી જ વારમાં ડૉકટરે કનુભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ કરતાં પોલીસે લાશ પરથી કપડાં અને મોબાઈલ કબજે લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી મૃતકની અંતિમવિધિ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં દાવડા ગામના સમાજના પ્રમુખ,ઉપપ્રમુખ અને કમિટી સભ્યો મળી 14 ઈસમોના માનસિક ત્રાસથી કંટાળી, સમાજમાંથી બહિષ્કાર કરેલ હોઈ અને પરત લેતા ન હોઈ લાગી આવતા આપઘાત કરેલ હોવાનું લખેલ હતું.
પંચનામું કરવા ગયેલ પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી
મૃતકની અંતિમવિધિ બાદ પોલીસ ઘટના સ્થળે પંચનામુ કરવા પહોંચી હતી. મૃતક રીક્ષા લઈને ગામમાંથી ખેતરમાં આવતા રીક્ષા નજીક જ દવા પી પડેલ હોઈ પોલીસે રીક્ષામાં તપાસ કરી હતી. દરમિયાન સ્ટીયરીંગ પર એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં 14 લોકોના નામ સાથે હું સમાજ ભેગો કરુ છું. તેમ છતાં સમાજમાં લેવાની મંજૂરી ન આપી કમિટી બનાવી ત્રાસ આપતા હોઈ સગાભાઈના દિકરાના લગ્નમાં મારા સંતાનોને સમાજે ધમકી આપી બોલાવ્યા ન હતા. એટલી હદ કરી ત્રાસ આપતા મરી જવાનું પસંદ કરી રહ્યો છું. પોલીસે મોબાઈલ જોતા તેમાં પણ ચિઠ્ઠીનો ફોટો પાડેલ હતો. વસો પીએસઆઈ એચ.એમ.રબારીએ જણાવ્યું હતું કે એકેય ઈસમો તેમના ઘરે મળી આવ્યા નથી.
વસો પોલીસમાં 14 વિરુદ્ધ ફરિયાદ
બબુ હાથીભાઈ પરમાર, અરવિંદ ચંદુભાઈ મકવાણા, મંગળ ડાહ્યાભાઈ પરમાર, ફુલા નાથાભાઈ પરમાર, રમણ મોતીભાઈ પરમાર, નટુ મંગળભાઈ પરમાર, ફતેસિંગ રાયસિંગભાઈ પરમાર, બુધા મોતીભાઈ પરમાર, બુધા ધીરાભાઈ પરમાર, રમેશ બબુભાઈ પરમાર, રવિન્દ્ર અરવિંદભાઈ મકવાણા, બાબુ ભાવાભાઈ, જીવા મંગળભાઈ, રાયસિંગ ગોતાભાઈ.
ત્રણ વર્ષ પહેલાં બનેલ એક બનાવને લઈ સમાજે બહિષ્કાર કર્યો હતો
ત્રણ વર્ષ પહેલાં કૌટુંબિક એક છોકરો અને છોકરી ભાગી ગયા હતા. જેમાં કનુભાઈ છોકરા પક્ષે હતા. જેથી સમાજે તેમને નાત બહાર મુકી દીધા હતા. સમાજમાં બનતા સારા નરસા પ્રસંગોમાં તેમને બોલાવતા ન હતા. તેમના બાકીના ભાઈઓને સમાજે સ્વીકાર્યા હતા પણ તેમને સમાજે સ્વીકાર્યા ન હતા.


