- ભરૂચ, જંબુસર, અંકલેશ્વર અને આમોદ નગરપાલિકામાં ગરમાવો
- આગામી લોકસભાની ચૂંટણી બાદ જ ભરૂચ જિલ્લા સંગઠનનું માળખું બદલાશે
- અઢી વર્ષની ટર્મ પુરી થતી હોવાના પગલે પ્રમુખો અને અન્ય બોડી બદલવામાં આવી
વર્ષ 2023 ભરૂચ જિલ્લા માટે રાજકીય ઉથલપાથલનું વર્ષ સાબિત થયુ. વર્ષ 2023માં ભરૂચ જિલ્લામાં સમાવેશ થતી ચાર જેટલી નગરપાલિકાઓમાં પ્રમુખો અને બોડીમાં બદલાવ કરવામાં આવ્યો.
આ વરસે જિલ્લાની ચાર નગરપાલિકાઓ એટલે ભરૂચ, જંબુસર, અંકલેશ્વર અને આમોદ નગરપાલિકામાં જે તે પાલિકાઓના પ્રમુખ અને અન્ય બોડીની અઢી વર્ષની ટર્મ પુરી થતી હોવાના પગલે પ્રમુખો અને અન્ય બોડી બદલવામાં આવી.
આ તમામ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન હોવાના પગલે પ્રમુખ અને અન્ય સમિતિઓના ચેરમેનની નીમણુંક અંગે દરેક નગરોમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વિવિધ મતભેદો સર્જાયા. એટલુ જ નહી પરંતુ આ પ્રમુખ અને બોડીના ગઠનના પગલે આવનાર વર્ષ 2024 માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ઉભા થયેલ અસંતોષની લાગણીનું પરિણામ જણાશે એવુ કેટલાક લોકો માની રહ્યા છે. તે સાથે સાથે વર્ષ 2023 માં જ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું માળખુ બદલાશે એવી આશા અને અપેક્ષા રખાતી હતી પરંતુ અત્યાર સુધી એટલે કે તા.16-12-23 સુધી ભરૂચ જિલ્લા સ્તરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જેના પગલે એમ જણાય રહ્યુ છે કે, હવે વર્ષ 2024 માં આવનાર લોકસભાની ચુંટણી બાદ જ ભરૂચ જિલ્લા સંગઠનનું માળખુ બદલાશે.
ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા, વાગરા અને જંબુસર આમ પાંચ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હોવાનું પહેલીવાર બન્યુ છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ઝગડીયા બેઠક પર પણ ભાજપે વિજય મેળવતા ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાનું રાજકીય કદ વધુ મજબુત બન્યુ હતુ અને આજ કારણોસર ભાજપ પ્રદેશ દ્વારા પ્રમુખ અને જિલ્લા સ્તરને સંગઠનને બદલવામાં આવ્યા નથી. તો બીજીબાજુ ભરૂચ જિલ્લાની નગરપાલિકાઓની કામગીરીમાં કચાસ જણાતા લોકોમાં ખુબ અસંતોષની લાગણી જણાય રહી છે. રસ્તાના કામ હોય કે સ્ટ્રીટ લાઈટના કામ હોય અને પાણીના કામ હોય આ તમામ કામોમાં ભ્રષ્ટાચાર વ્યાપક બનતા વિતેલા વરસોમાં વર્ષ 2023નું વર્ષ ભ્રષ્ટાચારી વર્ષ તરીકે પાલિકાઓના વહીવટના કારણે સાબિત થઈ રહ્યુ છે.
કરોડોના ખર્ચા પરંતુ વિકાસના નામે શૂન્ય
વર્ષ 2023 ના સમય દરમ્યાન ભરૂચ જિલ્લામાં કરોડોના ખર્ચા થયા હોવાનું કાગળ પર બતાવાયુ છે પરંતુ આ ખર્ચા મુજબના વિકાસના કામો થઈ શકયા નથી માતરીયા તળાવના આધુનિકરણ કામને મહત્વ આપવામાં આવ્યુ તો રતન તળાવ, ગેલાની તળાવ અને અન્ય તળાવોની ઉપેક્ષા કરવામાં આવી. ફ્લાયઓવર બ્રિજોની જાહેરાત કરવામાં આવી પરંતુ ભરૂચના સેન્ટઝેવિયર્સથી મહંમદપુરા તરફના ફ્લાયઓવર બ્રિજોની કામગીરી જે ઝડપથી થવી જોઈએ તે થઈ નથી.


