- મહારાષ્ટ્રના નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટ
- 6 મહિલાઓ સહિત 9 લોકોના મોત
- મહારાષ્ટ્ર સરકારે સહાયની કરી જાહેરાત
મહારાષ્ટ્રના નાગપુરમાં બજારગાંવ નજીક સોલાર ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં રવિવારે સવારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જેને લઇને મહારાષ્ટ્રના ડે.સીએમ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ- દેવેન્દ્ર ફડણવીસ
ડે.સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરતા જણાવ્યું કે નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટમાં 6 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ દુઃખદ અવસર પર રાજ્ય સરકાર તેમના પરિવારની સાથે મજબૂત રીતે ઊભી છે. આ એક એવી કંપની છે જે સંરક્ષણ દળો માટે ડ્રોન અને વિસ્ફોટકોનું ઉત્પાદન કરે છે.
સહાયની જાહેરાત
સાથે જ જણાવ્યું કે નાગપુર કલેક્ટર અને પોલીસ અધિક્ષક સતત સંપર્કમાં છે અને આઈજી, એસપી, કલેક્ટર પોતે ઘટનાસ્થળે છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને રાજ્ય સરકાર 5 લાખ રૂપિયાની સહાય આપશે. આ અંગે મુખ્યમંત્રી એકનાથ રાવ શિંદેએ મંજૂરી આપી દીધી છે.
બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ
અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સમયે કંપનીની અંદર કુલ 12 કર્મચારીઓ હાજર હતા. કંપનીના કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદ્દારે જણાવ્યું હતું કે નાગપુરના બજારગાંવમાં સોલાર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં બ્લાસ્ટને કારણે 9 લોકોના મોત થયા છે. સોલર એક્સપ્લોઝિવ કંપનીના કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે આ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.


