- UN જનરલ એસેમ્બલીમાં યુદ્ધવિરામની માંગણી કરતો ઠરાવ પસાર
- બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ યુદ્ધવિરામની માંગમાં જોડાયા
- જબાલિયામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 110ના મોત, 100 ઘાયલ
ગાઝા પટ્ટીમાં લશ્કરી કાર્યવાહીને લઈને ઈઝરાયેલ પર દબાણ વધી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ભારે બહુમતી સાથે યુદ્ધવિરામની માંગણી કરતો ઠરાવ પસાર થયા પછી, અમેરિકા ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહીની તીવ્રતા ઘટાડવા અને તેને વધુ ચોક્કસ રીતે નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાઝામાં રાહત સામગ્રીનો અવિરત પુરવઠો પણ હોવો જોઈએ.
પેલેસ્ટિનિયનોને ભૂખે મરવાના ષડયંત્રના આરોપને લઇ અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન સોમવારે ઈઝરાયેલ પહોંચ્યા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનની ગયા અઠવાડિયે ઇઝરાયેલની મુલાકાત પછી યુએસ સરકારના ઉચ્ચ અધિકારીની આ બીજી મુલાકાત છે. પરંતુ આ પ્રયાસો વચ્ચે ગાઝામાં ઈઝરાયેલી સેનાના હુમલા યથાવત છે. ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી વિસ્તારમાં થયેલા તાજેતરના હુમલામાં 110 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. ગાઝામાં યુદ્ધવિરામની વૈશ્વિક માંગમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મની પણ જોડાયા છે. અમેરિકાના સંરક્ષણ સચિવ ઓસ્ટિન ઈઝરાયેલમાં છે ત્યારે ત્રણેય મોટા યુરોપીય દેશોએ યુદ્ધવિરામની જરૂરિયાત વ્યક્ત કરી છે. ત્રણેય યુરોપીયન દેશો અમેરિકાના નજીકના સાથી હોવા ઉપરાંત વૈશ્વિક મંચ પર પણ ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં થઈ શકે છે મતદાન
દરમિયાન, કતારની મધ્યસ્થી હેઠળ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અંગે વાતચીત ચાલી રહી છે. જ્યારે સોમવાર-મંગળવારની રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ગાઝામાં રાહત સામગ્રીના અવિરત પુરવઠાના પ્રસ્તાવ પર મતદાન થવાની સંભાવના છે.
ગાઝામાં 24 કલાકમાં 150થી વધુ સ્થળોએ બોમ્બ ધડાકા કર્યા
આ દરમિયાન ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલા ચાલુ છે. રવિવાર-સોમવારના 24 કલાકમાં તેણે ગાઝામાં 150થી વધુ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 19 હજાર પેલેસ્ટિનિયન અને 126 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે.
પેલેસ્ટાઈનીઓને ભૂખે મારવાનું કાવતરું ઘડવાનો આરોપ
અમેરિકન માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું છે કે ઈઝરાયેલની સેના યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઈનીઓ માટે ગાઝા મોકલવામાં આવતા ખોરાક, પાણી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને રોકી રહી છે. 7 ઓક્ટોબરથી ચાલી રહેલા યુદ્ધની શરૂઆતથી જ આવું થઈ રહ્યું છે, જેના કારણે ગાઝાની 23 લાખ વસ્તી ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા છે. ઇઝરાયેલ પર આરોપ લગાવ્યો છે કે ઈઝરાયલ આવું કરીને ગાઝાના લોકોને ભૂખ્યા રાખવાના ષડયંત્ર પર કામ કરી રહ્યું છે. ઈઝરાયલે હ્યુમન રાઈટ્સ વોચને યહૂદી વિરોધી સંગઠન ગણાવ્યું છે અને કહ્યું છે કે, 7 ઓક્ટોબરના હમાસના હુમલા પર સંગઠનનું મૌન તેનો પુરાવો છે.


