- એક જ વર્ષમાં સનાથલ ઓવરબ્રિજ પર કપચી નીકળી જવાની ફરિયાદો ઊઠી હતી
- પ્રજાના પૈસાની ધૂળધાણી કરવા રચના કન્સ્ટ્રક્શનને 235 કરોડનો પ્રોજેક્ટ પધરાવ્યો
- ઔડા દ્વારા સનાથલ બ્રિજ પાછળ 96.81 કરોડનો ખર્ચ કરાયો હતો
ઔડાના સનાથલ ઓવરબ્રિજનું કામ કરનારા કોન્ટ્રાક્ટરે બોગસ કામ કર્યું હોવાનું બહાર આવ્યું હોવા છતાં મ્યુનિ.ના શાસકોએ એ જ કોન્ટ્રાક્ટરને નરોડા ઓવરબ્રિજનું 235 કરોડનું કામ સોંપી દેતા વિવાદ વકર્યો છે. એક જ વર્ષમાં ઓવરબ્રિજમાં સરફેસ તૂટી જવાની અને કોંક્રિટ તથા કપચી બહાર આવી ગઈ હતી. મ્યુનિ.વિપક્ષના કોર્પોરેટરોએ કહ્યું કે, ઔડાના બ્રિજમાં લાલિયાવાડી રાખનાર કોન્ટ્રાક્ટરને વધુ એક બ્રિજનું કામ સોંપી તંત્રએ શિરપાવ આપ્યો છે.
મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષના કોર્પોરેટરોએ કહ્યું કે, થોડા સમય પહેલાં હાટકેશ્વર બ્રિજના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બદલ તેને તોડવાની ફરજ પડી હતી. આ વિવાદ શાંત પડયો નથી ત્યાં વળી ઔડાના સનાથલ બ્રિજમાં બોગસ કામ કરનાર રચના કન્સ્ટ્રક્શને નરોડાથી ગેલેક્ષી સિનેમાથી નરોડા પાટિયા સુધીના ઓવરબ્રિજનું રૂ. 235.39 કામ સોંપી દીધું છે. ઔડા દ્વારા સનાથલ બ્રિજ પાછળ 96.81 કરોડનો ખર્ચ કરાયો હતો. ગત તા.10-3-23ના રોજ તેનું ઉદ્ઘાટન થયું હતું. એક જ વર્ષમાં બ્રિજના રસ્તા પરથી કપચી ઉખડી ગઇ હતી. બ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. આમ છતાં આજ કોન્ટ્રાક્ટરને નરોડા બ્રિજનું કામ સોંપી તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ખરેખર તો વિવાદીત કોન્ટ્રાક્ટર ધરાવતા કોન્ટ્રાક્ટરોને કોના ઇશારે કામ સોંપાય છે. કામ સોંપવામાં આર્થિક લાભ લેનાર અધિકારી અને પદાધિકારી સામે ખરેખર કાર્યવાહી થવી જોઇએ. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકી દેવો જોઈએ.


