- MDને અમે અમારી માંગણીઓ જણાવીશું: યુવરાજસિંહ
- પોલ ટેસ્ટ આપવા માટે અમે તૈયાર છીએ : યુવરાજસિંહ
- લેખિત પરીક્ષા કોઈ પણ સંજોગોમાં નહીં આપીએ
ગુરૂવારથી જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતી માટે લેવાયેલી પરીક્ષાને રદ્દ કરવાના મામલે વિદ્યાર્થીઓ જેટકોની ઓફિસની બહાર ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમની માંગણી MD સાથે મુલાકાત કરવાની છે. આ મામલે આજે જેટકોના MD દ્વારા ઉમેદવારોને મળવા બોલાવવામાં આવ્યા છે.
જેના અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે MD એ મળવા માટે સમય ફાળવ્યો છે. જેમાં MD ને અમે અમારી માંગણીઓ જણાવીશું. તેમજ ઉમેદવારો પોલ ટેસ્ટ આપવા માટે રાજી છે. પરંતુ લેખિત પરીક્ષા કોઈ પણ સંજોગોમાં આપવા માટે તૈયાર નથી.
આ સાથે જ ભરતીના વિવાદ મુદ્દે કહ્યું કે, જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન યથાવત રહેશે. તેમજ આ અંગેની રજુઆત કરવા અમે ઊર્જા મંત્રી કનું દેસાઈને મળવાનો સમય માંગીશું. અને જો ઊર્જામંત્રી સમય નહીં આપે તો તેમના ઘરે ઘેરાવો કરીશું.
પરીક્ષાની નવી તારીખ જાહેર
મહત્ત્વનું છે કે, જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની જેટકોના સત્તાધીશો પર કોઈ અસર થઈ નથી. જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે. જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજવામાં આવશે.જેટકોએ પોતાની વેબસાઈટ પર સતાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.


