- ભારત વિરુદ્ધ ચીનના નવા ષડયંત્રનો થયો પર્દાફાશ
- તિબેટના ટ્રાઈ-જંક્શન નજીક માબ્ઝા ઝંગબો નદી પર બનાવ્યો ડેમ
- LACના પૂર્વ અને પશ્ચિમી ક્ષેત્રોમાં સૈનિકો તૈનાત કરતા ચિંતા વધી
ભારત વિરુદ્ધ ચીનના નવા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ચીન ભારત, નેપાળ અને તિબેટના ટ્રાઈ-જંક્શન નજીક તિબેટમાં માબ્ઝા ઝંગબો નદી પર નવો બંધ બનાવી રહ્યું છે, જેનાથી ભારતનો તણાવ વધી શકે છે. એટલું જ નહીં LACના પૂર્વ અને પશ્ચિમી ક્ષેત્રોમાં સૈનિકો તૈનાત કરતા ચિંતા વધી છે.
ચીને વર્ષ 2021માં 70 ગીગાવોટ પાવર જનરેટ કરવા માટે યાર્લુંગ ઝાંગબોના નીચલા ભાગોમાં એક મોટો ડેમ બનાવવાની યોજનાની જાહેરાત કર્યા બાદ ચીને આ પગલું ઉઠાવ્યું છે. આ દેશના થ્રી ગોર્જ્સ ડેમ દ્વારા ઉત્પાદિત વિદ્યુત ક્ષમતા કરતાં ત્રણ ગણી છે, તેમજ સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ સૌથી મોટો હાઇડ્રોપાવર પ્લાન્ટ છે.
બ્રહ્મપુત્રા જેને ચીનમાં યાર્લુંગ ત્સાંગપો તરીકે ઓળખવામાં આવે છે, માનસરોવર તળાવમાંથી નીકળતી આ નદીની કુલ લંબાઈ 2,880 કિમી છે. અને તેનું વિતરણ તિબેટમાં 1,700 કિમી, અરુણાચલ પ્રદેશ અને આસામમાં 920 કિમી છે. અને બાંગ્લાદેશમાં 260 કિ.મી. છે. તે તાજા જળ સંસાધનોના લગભગ 30% અને ભારતની જળવિદ્યુત ક્ષમતાના 40% હિસ્સો ધરાવે છે. આ નવો ડેમ ટ્રાઈ જંકશનથી લગભગ 16 કિ.મી. ઉત્તરમાં સ્થિત છે અને ઉત્તરાખંડના કાલાપાની પ્રદેશની નજીક છે. આ ડેમ ગંગાની ઉપનદી મબ્ઝા ઝંગબો પર બાંધવામાં આવ્યો છે.
તિબેટના બુરાંગ કાઉન્ટીમાં નદીના ઉત્તરી કાંઠે ડેમ બનાવવાની પ્રવૃત્તિ મે 2021 થી જોવા મળી રહી છે. મબ્ઝા ઝંગબો નદી ભારતમાં ગંગા નદીમાં જોડાય તે પહેલાં નેપાળની ઘાઘરા અથવા કરનાલી નદીમાં જોડાય છે. આ ડેમ ભવિષ્યમાં પ્રદેશના પાણી પર ચીનના નિયંત્રણ અંગે ચિંતા ઉભો કરે છે. પાણીનો ઉપયોગ કરવા ઉપરાંત, ચીન ટ્રાઇ-જંક્શન નજીક સૈન્ય સ્થાપન બનાવવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે ચીને અગાઉ અરુણાચલ પ્રદેશ નજીક યાર્લુંગ ઝંગબો નદી વિસ્તારમાં પણ લશ્કરી સ્થાપન વિકસાવ્યું હતું.
ભારત માટે ચિંતાનો વિષય કેમ?
- ચીન આ ડેમનો ઉપયોગ માત્ર ડાયવર્ઝન માટે જ નહીં પરંતુ પાણીના સંગ્રહ માટે પણ કરી શકે છે જે મબ્ઝા ઝંગબો નદી પર આધારિત વિસ્તારોમાં પાણીની અછત ઘટાડી શકે છે અને નેપાળમાં ઘાઘરા અને કરનાલી જેવી નદીઓમાં પાણીનું સ્તર પણ ઘટી શકે છે.
- ચીન સરહદ નજીક બંધ બાંધીને વિવાદિત વિસ્તારો પર પોતાનો દાવો મજબૂત કરી શકે છે. ચીને સિંધુ, બ્રહ્મપુત્રા અને મેકોંગ પર નદીઓના પ્રવાહને નિયંત્રિત કરવા માટે મોટી સંખ્યામાં ડેમ અને પાળા બાંધ્યા છે.
- તિબેટ પર કબજો કરીને, ચીને 18 દેશોમાંથી વહેતી નદીઓના સ્ત્રોત બિંદુઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. ચીને હજારો ડેમ બનાવ્યા છે, જેના કારણે જો અચાનક પાણી છોડવામાં આવે તો પૂર આવી શકે છે અથવા જો પાણી અટકાવવામાં આવે તો દુષ્કાળ આવી શકે છે, તેમજ નદીની જીવસૃષ્ટિનો નાશ કરી શકે છે, સામાન્ય જીવનને ખોરવી શકે છે.
- ચીન બ્રહ્મપુત્રા નદી પર ચાર ડેમ બનાવવાની યોજના ધરાવે છે, જેનાથી બ્રહ્મપુત્રા નદીના વહેણને અસર થશે. ભારતે આ ડેમના નિર્માણ પર ચીન સામે વાંધો ઉઠાવ્યો છે.
- ચીને, બાંગ્લાદેશ સાથે હાઇડ્રોગ્રાફિક ડેટા શેર કરતી વખતે, તેને ભારત સાથે શેર કરવાનો ઇનકાર કર્યો હતો, પરિણામે આસામમાં પૂરને કારણે મોટા પાયે વિનાશ થયો હતો, જેના માટે ભારત તૈયાર ન હતું. ચીને મેકોંગ નદી પર 11 વિશાળ ડેમ બનાવ્યા છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો માટે ચિંતાનો વિષય છે.


