- ઇઝરાયેલના નાગરિકોને મલેશિયામાં પરવાનગી વિના પ્રવેશ પર પ્રતિબંધ
- 2005થી ઇઝરાયેલના જહાજોને મલેશિયામાં અપાઇ હતી મંજૂરી
- આંતરરાષ્ટ્રીય નિયમોને નેવે મુકીને ઇઝરાયેલની મનમાનીના આક્ષેપ
મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે પેલેસ્ટિનિયન લોકો સામે ચાલી રહેલા અત્યાચારોને લઇ ઇઝરાયેલ વિરુદ્ધ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, ઇઝરાયેલ દ્વારા માનવતાવાદી સિદ્ધાંતોની અવગણના અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યા પછી પ્રતિબંધો મુકવા જરૂરી છે.
આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લઘન કર્યાનો આક્ષેપ
મલેશિયાની સરકારે તેના બંદરો પર ઇઝરાયેલની માલિકીના અને ધ્વજવાળા જહાજો તેમજ ઇઝરાયેલ માટે જનારા જહાજો પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ નિર્ણય ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયેલની કાર્યવાહીને લઈને લેવામાં આવ્યો છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે પેલેસ્ટિનિયન લોકો સામે ચાલી રહેલા અત્યાચારોને લઇ નિર્ણય કર્યો છે. જેમાં ખાસ કરીને ગાઝામાં નરસંહાર અને આંતરરાષ્ટ્રીય નિયમોને નેવે મુકીને ઇઝરાયેલ મનમાની કરી રહી છે તેવા આક્ષેપો સાથે મલેશિયાની સરકારે ઇઝરાયેલના જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે.
ગાઝા પર ઈઝરાયેલની કાર્યવાહી બાદ આ નિર્ણય
હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ ઈઝરાયેલના સૈનિકો ગાઝા પર સતત હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં, ઇઝરાયેલી સૈનિકોએ ગાઝા પર બોમ્બમારો કર્યા પછી, ત્યાંના લોકોએ મલેશિયાના પીએમ પર દબાણ લાવવા માટે રેલીઓ કાઢી હતી.
મલેશિયાના પાસપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, ‘ઈઝરાયેલ સિવાય તમામ દેશો માટે માન્ય’. ઇઝરાયેલના નાગરિકોને મલેશિયામાં પરવાનગી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. મલેશિયાની સરકારે જાહેરાત કરી હતી કે 2005થી ઇઝરાયેલની નોંધાયેલ કંપનીઓ અને જહાજોને મલેશિયામાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે વર્તમાન સરકારે અગાઉની કેબિનેટ સરકારના આ નિર્ણયને ઉલટાવીને મલેશિયાના બંદરો પરથી ઇઝરાયેલના જહાજો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.


