- જેટકોની ભરતી પ્રક્રિયા માટેનો વિવાદ આખરે શાંત પડવાના અણસાર
- જેટકો દ્વારા પોલ યથાવત્ રખાયો
- આજે પોલ ટેસ્ટનો છેલ્લો દિવસ
ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતીને લઇને થયેલો વિવાદ આખરે શાંત પડવાના અણસાર આપી રહ્યો છે. જેટકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની સત્તાધીશોએ જાહેરાત કરી હતી.જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતા સત્તાધીશોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જો કે, ઉમેદવારોએ કરેલા વિરોધની સામે આખરે સત્તાધીશોએ મનતુ મુકીને ફક્ત પોલ ટેસ્ટ યથાવત રાખ્યો છે. આ સાથે 7 જાન્યુઆરીના રોજ લેવામાં આવનારી લેખિત પરીક્ષા રદ કરી છે.
જેટકોએ આપેલી સત્તાવાર જાણકારી પ્રમાણે જેટકો દ્વારા તા.28 અને 29 ના રોજ તમામ ઉમેદવારો માટે પોલ ટેસ્ટ રાબેતા મુજબ લેવામાં આવશે. આ સાથે જે ઉમેદવારોએ અગાઉ તા.9 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા આપી હતી તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા હવે લેવામાં નહીં આવે. પરંતુ જે ઉમેદવારો અગાઉના પોલ ટેસ્ટમાં પાસ થયા નહોતા તેવા ઉમેદવારો જો નવેસરથી લેવાઈ રહેલા પોલ ટેસ્ટમાં પાસ થશે તો તો તેવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે. સત્તાધીશોએ લેખિત પરીક્ષા રદ કરતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી કે, હક અને ન્યાય માટે લડનારા તમામ યોધ્ધાઓને અભિનંદન, ઉમેદવારોની એકતાની આ જીત છે. નોંધનીય છે કે, અગાઉ ઉમેદવારોએ આંદોલન દરમિયાન પોલ ટેસ્ટ ફરી લેવાય પરંતુ લેખિત પરીક્ષા ના લેવાય તેવી રજૂઆત કરી હતી અને તેના ઉપર સત્તાધીશોએ વિચારણા કરવાની ખાતરી આપી હતી.


