- ઈજિપ્ત, ઇથોપિયા, ઈરાન સાઉદી અરબ અને UAEને મળી જગ્યા
- આ પહેલા, બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા સભ્ય હતા
- રશિયાએ BRICSનું અધ્યક્ષપદ સંભાળતાની સાથે જ પુતિને કરી જાહેરાત
ભારત રશિયા અને ચીન સહિત ઊભરતી અર્થવ્યવસ્થાઓ વાળા બ્રિક્સ સંગઠને વૈશ્વિક મુદ્દાઓમાં પશ્ચિમી પ્રભુત્વની પૃષ્ઠભૂમિમાં પોતાની વ્યૂહાત્મક શક્તિ વધારવાના પ્રયાસ હેઠળ વધુ પાંચ પૂર્ણ સભ્ય દેશોનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
હવે 10 દેશોનું સંગઠન બન્યું BRICS
રશિયાએ BRICSનું અધ્યક્ષપદ સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે જાહેરાત કરી છે કે જૂથ હવે 10 દેશોનું સંગઠન બની ગયું છે, જેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત નવા સભ્યો તરીકે જોડાયા છે.
ઓગસ્ટમાં જોહાનિસબર્ગમાં સંગઠનની સમિટમાં બ્રિક્સના ટોચના નેતાઓએ 1 જાન્યુઆરીથી આર્જેન્ટિના સહિત 6 દેશોને જૂથમાં સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જો કે, આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ, જેવિયર માઈલીએ ગયા અઠવાડિયે BRICS (બ્રાઝિલ-રશિયા-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા) ના સભ્ય બનવાના તેમના દેશના પ્રસ્તાવને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
પુતિને એક સંબોધનમાં જણાવ્યું હતું કે “ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત BRICSમાં નવા પૂર્ણ સભ્યો તરીકે જોડાયા છે, જે સંગઠનના વધતા પ્રભાવ અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં તેની ભૂમિકાનો મજબૂત સંકેત છે.”
રશિયન પ્રમુખે કહ્યું કે બ્રિક્સ સતત વધતી સંખ્યામાં સમર્થકો અને સમાન વિચારધારા ધરાવતા દેશોને આકર્ષે છે જે સાર્વભૌમ સમાનતા, નિખાલસતા, સર્વસંમતિ, બહુધ્રુવીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને ન્યાયી વૈશ્વિક નાણાકીય અને વેપાર પ્રણાલી જેવા તેના અંતર્ગત સિદ્ધાંતોનું નિર્માણ કરવાની આકાંક્ષાને શેર કરે છે.
2006માં બન્યું હતું BRICS સંગઠન
સપ્ટેમ્બર 2006માં આ સમૂહની રચના કરવામાં આવી હતી અને તેમાં મૂળ બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન (BRIC)નો સમાવેશ થતો હતો. સપ્ટેમ્બર 2010માં દક્ષિણ આફ્રિકાને સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા બાદ તેનું નામ બદલીને ‘BRICS’ કરવામાં આવ્યું હતું.
બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા સાથે BRICS સંગઠન વૈશ્વિક અર્થવ્યવસ્થાના એક ચતુરથાન્સનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષોથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું મુખ્ય પ્રેરક છે.


