- બોરવેલ અંગે લોકોમાં જાગૃતિ લાવવા કરી અપીલ
- પોતાના વિસ્તારમાં બિનઉપયોગી બોરવેલ પુરવા અપીલ
- શાળા, કોલેજો પાસે બિનઉપયોગી બોરવેલનો નિકાલ કરો
તાજેતરમાં દ્વારકામાં એક બોરવેલમાં પડી જવાના કારણે અઢી વર્ષની દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે પછી સૌ કોઈ એલર્ટ થયા છે. આ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયાએ શિક્ષકોને પત્ર લખી લોકોને જાગૃત કરવા માટેની અપીલ કરી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ રાજ્યના શિક્ષકોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, પોતાના વિસ્તારમાં બિન ઉપયોગી બોરવેલ હોય તો પુરાણ કરી લોકોમાં જાગૃત કરવા જોઇએ. તેમજ શાળા કોલેજ કે ગામમાં આસપાસ આવા બિન ઉપયોગી બોરવેલ હોય તો શોધી ગુરુજનો આ કામ ઉપાડી લેવું જોઇએ.
આ સાથે જ રાજ્ય શિક્ષણમંત્રીએ જણાવ્યું છેકે, એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ કરવા વિનંતી છે. જેથી યોગ્ય રીતે કામ પૂર્ણ થઈ શકે. જે ગુરુજનો સેવાના વ્યક્તિગત કામ કરશે એમને વંદન સાથે અભિનંદન પત્ર અને રૂબરૂ મુલાકાત કરવાનું પણ મંત્રી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે.
નોંધનીય છેકે હાલમાં જ દ્વારકામાં એક માસુમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. જેમાં આશરે 8 થી 9 કલાક સુધી જીંદગી સામે જંગ લડી હતી. જેને બચાવવા માટે NDRF થી લઈ સેના સુધીની ટીમ પહોંચી હતી પરંતુ જ્યારે બાળકીને બહાર કાઢવામાં આવી ત્યાર બાદ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે સંવેદના રાખતા શિક્ષણમંત્રીએ બોરવેલમાં માસુમ જિંદગી ન જાય અને બચાવવા અપીલ કરી છે.


