- એરલાઇન્સ સ્ટાફે રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના વેશમાં પેસેન્જરોને ભગવા ખેસ પહેરાવ્યા
- જય શ્રી રામ’ના નાદ ગુંજતા ભક્તિમય માહોલ સર્જાયો
- અમદાવાદથી અયોધ્યા વચ્ચેની ગુરુવારે પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટે ઉડાન ભરી હતી
અમદાવાદથી અયોધ્યા વચ્ચેની ગુરુવારે પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટે ઉડાન ભરી હતી. તે પહેલાં અમદાવાદ એરપોર્ટ પર ભક્તિમય માહોલ સર્જાયો હતો. એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ભગવાન શ્રી રામ, માતા સીતા. લક્ષ્મણ અને હનુમાનજીના વેશમાં ‘જય શ્રી રામ’ના નાદ સાથે એરપોર્ટ ગુંજાવ્યું હતું. આ માહોલ જોતાં અન્ય પેસેન્જરો પણ તેઓની સાથે જોડાયા હતા. પ્રથમ ફ્લાઇટના પેસેન્જરોને સ્ટાફ દ્વારા ભગવો ખેશ પહેરાવીને અભિવાદન કર્યું હતું. આ પ્રથમ
ફ્લાઇટમાં બુકિંગ કરનારા પેસેન્જરોમાં સૌથી વધુ સુરતના લોકો જોવા મળ્યાં હતાં. અમદાવાદ એરપોર્ટ પર સવારે ભક્તિમય માહોલ સર્જાયો હતો. અયોધ્યાની પ્રથમ ફ્લાઇટમાં સાધુ-સંતો, રામભક્તો જોવા મળ્યા હતા. પ્રથમ ફ્લાઇટમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ અયોધ્યા જઈ રહ્યાં હતાં. અયોધ્યામાં નવનિર્મિત એરપોર્ટ પર 30 ડિસેમ્બરના રોજ દિલ્હીથી પ્રથમ ફ્લાઈટ પહોંચી હતી. જે બાદ ગુરુવારે અમદાવાદથી 150 પેસેન્જરો સાથે ફ્લાઇટ અયોધ્યા ખાતે પહોંચી હતી.


