- 2018માં થઈ હતી તુર્કીની અંતરીક્ષ એજન્સીની સ્થાપના
- સ્થાપનાના બીજા જ વર્ષે તુર્કીએ કરી સ્પેસ મિશનની જાહેરાત
- 18 જાન્યુઆરીએ તુર્કી અમેરિકાથી અંતરીક્ષમાં મોકલશે યાત્રી
તુર્કી ટૂંક સમયમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. તુર્કી આગામી સપ્તાહે પહેલીવાર પોતાના કોઈ નાગરિકને અંતરીક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. દેશની આ ઉપલબ્ધિ પર રેચેપ તૈયપ એર્દોગને આ સિદ્ધિને લઈને ટ્વિટ કરતાં કહ્યું છે, ‘ગર્વ કરો તુર્કી’
એર્દોગને સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર લખ્યું છે કે, “અમે વૈજ્ઞાનિક મિશન પર પ્રથમ વખત કોઈ નાગરિકને અવકાશમાં મોકલવાના અમારા લક્ષ્યની ખૂબ નજીક છીએ. ગર્વ કરો તુર્કી”.
એર્દોગને ટ્વિટર પર એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તુર્કીના ભાવિ અવકાશયાત્રી કર્નલ અલ્પર ગેઝરવસી જોવા મળે છે. ગેજેરવસી આવતા અઠવાડિયે સ્પેસ મિશન માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થવાના છે.
વિડીયોમાં કર્નલ ગેજેરવસીને જેનેપ નામની એક બાળકી સાથે વાત કરતાં દર્શાવવામાં આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળકી તુર્કીની અંતરીક્ષ એજન્સીમાં અંતરીક્ષ યાત્રીના પદ માટે અરજી કરવા માટે જાય છે અહી તે ગેજેરવસીની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાત કરે છે.
કોણ છે તુર્કીના પહેલા અંતરીક્ષ યાત્રી?
ગેજેરવસીએ જણાવ્યું કે તેઓ એક જેટ પાયલટ છે જે 22 વર્ષથી પ્લેન ઉડાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અંતરીક્ષ યાત્રા પહેલા તેમણે 100થી ટેસ્ટ આપ્યા છે અને અત્યાર સુધી બધુ સારું ચાલી રહ્યું છે. ગેજેરવસીએ કહ્યું કે છેલ્લા 2 વર્ષથી તેઓ પોતાની અંતરીક્ષ યાત્રાની તૈયારી કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ ચોક્કસ સફળ થશે.
ગેજેરવસી એક્સિઓમ મિશન 3 (એક્સ-3)ના ક્રૂ મેમ્બર તરીકે અંતરીક્ષ સ્ટેશનમાં જવાના છે. તેઓ 18 જાન્યુઆરીએ અમેરિકાના ફ્લોરિડાથી એક એવા મિશન માટે ટેક ઓફ કરશે જે તેમના દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.
ગેજેરવસી ઇન્ટરનેશનલ સ્ટેસ સ્ટેશનમાં 14 દિવસ સુધી રહેશે. આ દરમિયાન તેઓ દુનિયાની તમામ મોટી સ્પેસ એજન્સીઓની સાથે મળીને વૈજ્ઞાનિક શોધ કરશે. ગેજેરવસી તુર્કી એરફોર્સમાં સામેલ F-16 પ્લેનના પાયલોટ છે. તેમની પસંદગી ગત વર્ષે તુર્કીની એક્નોલોજી ઇવેન્ટ TEKNOFEST દરમિયાન કરવામાં આવી હતી.
તુર્કી અંતરીક્ષના ક્ષેત્રમાં નવો ખેલાડી છે અને ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તુર્કીની અંતરીક્ષ એજન્સીની સ્થાપના 2018માં થઈ હતી અને તેના બીજા જ વર્ષે તેણે પોતાના પહેલા સ્પેસ મિશનની જાહેરાત કરી હતી.


