- તથ્ય પટેલ કાંડ પછી પણ વાહનચાલકો બેફામ,પાંચ માસમાં 219ના મોત થયા
- 2023માં અકસ્માતની કુલ 1,458 ઘટના
- 2022માં 488ના અકસ્માતમાં મોત હતા
એસ.જી.હાઈવે રાજપથ કલબ નજીક બ્રીજ પર જુલાઈ,2023માં બેફામ જેગૂઆર કાર હંકારી 9 લોકોના જીવ લેનાર ચકચારી તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ પણ શહેરમાં વાહન ચાલકો બેફામ હોવાનું ટ્રાફિક પોલીસના આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. 2023માં અમદાવાદ શહેરમાં વાહન અકસ્માતમાં 528 લોકોના મોત થયા છે. 2022માં વાહન અકસ્માતમાં 488 લોકોના મોત થયા જેની સામે 2023માં મોતનો આંકડામાં 40નો વધારો જોવા મળ્યો હતો. જુલાઈ,2023માં તથ્યકાંડ બાદ વાહન ચાલકો જાગૃત થશે તેવી પોલીસની ગણતરીઓ ઉંધી પડી અને પછીના પાંચ મહિનામાં 219 લોકોએ અકસ્માતમાં જીવ ગૂમાવ્યો હતો. 2022માં ઓગષ્ટ થી ડીસેમ્બર માસના પાંચ માસમાં 199 લોકો અકસ્માત જીવ ગુમાવ્યો હતો. આમ, તથ્યકાંડ બાદ પણ કાયદાના ડર વગર વાહન ચાલકો બેફામ બન્યાનો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદમાં 2023માં 511 ફોટલ અકસ્માત, ગંભીર અકસ્માત 550 અને સામાન્ય અકસ્માત 297 મળીને કુલ 1,458 અકસ્માતની ઘટના બની હતી. આ બનાવોમાં કુલ 1861 લોકો ભોગ બન્યા જેમાં 528 લોકોએ જીવ ગુમાવ્યો, 742 લોકોને ગંભીર ઈજા તેમજ 591 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 2022ની સરખામણીએ કુલ અકસ્માતના આંકડામાં સામાન્ય વધારો જોવા મળ્યો પણ ફોટલ અકસ્માતના બનાવ 44 બનાવો વધુ બન્યા હતા. ટ્રાફિક પોલીસે રોડ સેફટી અંતર્ગત અનેક કાર્યક્રમો કરીને અકસ્માત ઘટાડવાના પ્રયાસ કર્યા તેમજ લોકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટે અનેક સૂચનાઓ આપ્યા બાદ પણ વાહન ચાલકોમાં જાગૃત્તી જોવા મળી નથી. તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ વાહન ચાલકોમાં ડર અને જાગૃત્તી આવશે જેના કારણે અકસ્માતની સંખ્યામાં ઘટાડો જોવા મળશે તેવી પોલીસની ગણતરી ખોટી પહી હતી. તથ્ય પટેલ કાંડ બાદ થયેલી કડક પોલીસ કાર્યવાહીને પગલે વાહન ચાલકોની સ્પીડ ઘટી અને અકસ્માતના બનાવો પણ ઘટયા હતા. જો કે, તથ્યકાંડની તપાસ બાદ આખું ચિત્ર પલટાઈ ગયું હતું. છેલ્લા પાંચ મહિનામાં 630 અકસ્માતના બનાવો બન્યા જેમાં 219 લોકોના મોત થયા હતા. 2022માં ઓગષ્ટ થી ડીસેમ્બરના પાંચ માસમાં કુલ અકસ્માતના બનાવો 603 બન્યા જેમાં 199 લોકોના મોત થયા હતા.
ઓગસ્ટમાં પોલીસની કડકાઈથી મોતમાં 20નો ઘટાડો, પણ પછી ઠેરનું ઠેર
2023માં જુલાઈમાં એસજી હાઈવે પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં પોલીસ કર્મીઓ સહિત નવ લોકોના મોત થયાં બાદ જે રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેના પગલે બેફામ બનેલા વાહન ચાલકો કંટ્રોલમાં આવ્યા હતા. પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઈવ તેમજ સ્પીડ લીમીટના કેસો કરવાની શરૂઆત કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફોલાયો હતો. 2022 ઓગસ્ટમાં 44 લોકોના વાહન અકસ્માત મોત થયા હતા. જો કે, 2023 ઓગષ્ટમાં પોલીસની કાર્યવાહી અને ડ્રાઈવ ચાલુ હોવાથી માત્ર 24 લોકોના મોત થયા હતા. આમ, પોલીસ કાર્યવાહીને પગલે મોતના આંકડામાં સીધો 20નો ઘટાડો આવી ગયો હતો. જો કે, પોલીસની કાર્યવાહી અને ડ્રાઈવ બંધ થતા ફરી વાહન ચાલકો બેફામ બન્યા છે.


