- ઈઝરાયલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત્
- બંને તરફથી કોઈ ટસને મસ થવા તૈયાર નહીં
- મિસાઈલથી ઈઝરાયલે ચાર માળની ઈમારત ઉડાવી દીધી
ગાઝામાં હમાસની સાથે યુદ્ધ સિવાય ઈઝરાયલ અનેક મોરચે સંઘર્ષ કરી રહ્યો છે. એક તરફ હિઝબુલ્લા લેબનોન તરફથી તેના ઉત્તરી હિસ્સાને નિશાન બનાવી રહ્યો છે. જ્યારે બીજી બાજું રાતા સમુદ્રમાં હોતી બળવાખોરો કોમર્શિયલ જહાજો પર હુમલા યથાવત્ રાખ્યા છે. આ દરમિયાન ઈઝરાયલી સૈન્યએ સીરિયામાં એક ઈમારત પર હુમલો કર્યો હતો. આ ઈમારતમાં કથિત રીતે ઈરાન સાથે જોડાયેલા નેતાઓની બેઠક યોજાઈ રહી હતી. હુમલામાં પાંચ લોકોનાં મોત થયા હતા.
સીરિયામાં માનવાધિકાર પર નજર રાખતા એક જૂથે ખાનગી ન્યૂઝ સંસ્થાને ને જણાવ્યું કે, ‘સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈઝરાયેલની મિસાઈલ દ્વારા ચાર માળની ઈમારતને નિશાન બનાવવામાં આવી છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. બિલ્ડિંગમાં ઈરાન સાથે જોડાયેલા નેતાઓની બેઠક ચાલી રહી હતી.
જૂથે સીરિયન આંતરિક સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે જે ઇમારત પર નિશાન બનાવવામાં આવ્યું હતું તે ઉચ્ચ સુરક્ષા વિસ્તાર છે. તે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ અને ઈરાની તરફી પેલેસ્ટિનિયન જૂથોના નેતાઓનો ગઢ છે. માનવાધિકાર જૂથના નિર્દેશક રામી અબ્દેલએ કહ્યું કે તેઓએ (ઇઝરાયેલ) ચોક્કસપણે ઇરાન સમર્થિત જૂથોના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ઈઝરાયેલે દમાસ્કસના માજેહ વિસ્તારમાં એક રહેણાક મકાનને નિશાન બનાવ્યું છે. માજેહ વિસ્તારમાં સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય, દૂતાવાસ અને રેસ્ટોરન્ટ આવેલી છે. મળતી માહિતી અનુસાર ઈઝરાયેલી મિસાઈલોએ આખી ઈમારતનો નાશ કર્યો હતો અને હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા અથવા ઈજાગ્રસ્ત થયા હતા. સીરિયામાં દાયકાથી ચાલેલા ગૃહયુદ્ધ દરમિયાન ઈઝરાયેલે સેંકડો હવાઈ હુમલાઓ કર્યા છે. મોટાભાગના હુમલા ઈરાન સમર્થિત દળોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ગયા વર્ષે 7 ઓક્ટોબરે શરૂ થયું હતું. ઈઝરાયેલના હુમલામાં 20 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. હમાસે ગયા વર્ષે ઓક્ટોબરમાં દક્ષિણ ઇઝરાયેલથી એક સાથે હુમલો કર્યો હતો.આતંકવાદી જૂથે એક સાથે સેંકડો મિસાઇલો છોડી હતી. આ હુમલાઓમાં 1200થી વધુ ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે, સેંકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આમાંથી અડધાથી વધુ બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે.


