- પૂર્વ સાંસદની રજૂઆતના 6 મહિના બાદ શિક્ષણ વિભાગની કચેરી જાગી
- પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની તમામ જિલ્લાના અધિકારીઓને સૂચના
- જિલ્લાના કલેક્ટરના ધ્યાને લાવી દબાણો હટાવવાની કાર્યવાહી
રાજ્યની અનેક સરકારી પ્રાથમિક શાળાઓની જમીનમાં ગેરકાયદે દબાણો થયા હોવાની એક પૂર્વ સાંસદ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતાં અંતે 6 મહિના બાદ શિક્ષણ વિભાગની નિયામક કચેરી જાગી છે. શિક્ષણ વિભાગના આદેશના પગલે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે, સરકારી શાળાઓની જમીનની માપણી કરાય અને જો ગેરકાયદે દબાણો થયા હોય તો તે જિલ્લાના કલેક્ટરના ધ્યાને લાવી દબાણો હટાવવાની કાર્યવાહી થાય.
સરકારી પ્રાથમિક શાળાઓમાં થયલા ગેરકાયદે દબાણો હટાવવા એક પૂર્વ સાંસદ દ્વારા વારંવાર પત્રો લખાયાં હતા, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ગત 31 જુલાઈએ શિક્ષણ મંત્રીને આ અંગેનો પત્ર પાઠવાયો હતો. શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણ સચિવને આ મુદ્દે સુચના અપાતા, સચિવ કાર્યાલય દ્વારા ઓગસ્ટ માસમાં જ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પત્ર મોકલાયો હતો. છતાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા વિભાગની સૂચનાના 6 મહિના બાદ આ સંદર્ભે પરિપત્ર કરાયો છે. નિયામક કચેરી દ્વારા પરિપત્રમાં જણાવ્યું છે કે, તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, મેદાનની જમીનો સંબંધિત શિક્ષણ સમિતિ કે નગર શિક્ષણ સમિતિના નામે હોવા અંગે મહેસૂલી દફ્તર જેવા કે ગામનો નમૂનો-06, નમૂનો-07 અને નમૂનો-8-અ મારફતે ચકાસણી કરવી. જે શાળાની જમીનો શિક્ષણ સમિતિના નામે નહી હોય તેવા કિસ્સામાં જમીન નામે કરાવવા અથવા કબ્જેદાર-ભોગવટદાર તરીકે નામ દાખલ કરાવવાની કાર્યવાહી કરવી. જે જમીનની હદ-પાળી નક્કી ન હોય અથવા કુલ ક્ષેત્રફળ અંગે વિસંગતતાના કિસ્સામાં સરકારી રાહે જમીન માપણી કરાવી ચતુર્દિશા નિયત કરાવવી અને દબાણ થયાનું જણાય તો દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવાની રહેશે.


