- બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ
- 274.12 કિમી પિઅર કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે
- ગર્ડર લોંચિંગનું કામ 127.72 કિમીએ પહોંચ્યું
દેશની પ્રથમ બુલેટ ટ્રેનની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. 508 કિમી લાંબા આ પ્રોજેક્ટમાં 274.12 કિમીના પિઅર કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે જ્યારે ગર્ડર લોંચિંગનું કામ 127.72 કિમી સુધી પહોંચી ગયું છે. આ ટ્રેક પર પહેલી ટ્રેન ઓગસ્ટ 2026માં દોડવાની શક્યતા છે.
આ પ્રોજેક્ટનો 348.04 કિમી ગુજરાતમાં, 155.76 કિમી મહારાષ્ટ્રમાં અને 4.3 કિમી દાદરા અને નગર હવેલીમાં છે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ ગર્ડર 25 નવેમ્બર, 2021 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે વાયડક્ટનો પ્રથમ કિલોમીટર 30 જૂન, 2022 ના રોજ 6 મહિનામાં પૂર્ણ થયો હતો. જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન પીએમ શિન્ઝો આબે દ્વારા કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે બુલેટ ટ્રેન શરૂ થવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરી માત્ર સાડા ત્રણ કલાકમાં પૂરી થઈ જશે.
ટ્રાયલ ક્યારે શરૂ થશે?
આ પ્રોજેક્ટ પાછળ 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. NHSRCL આ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહી છે. શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, કેન્દ્ર સરકાર આમાં 10,000 કરોડ રૂપિયા ચૂકવશે. ગુજરાત અને મહારાષ્ટ્રે ₹5,000 કરોડ ચૂકવવા પડશે. પ્રોજેક્ટની બાકીની રકમ 0.1 ટકાના નજીવા વ્યાજે જાપાન પાસેથી મળેલી લોનમાંથી ખર્ચવામાં આવશે. અગાઉ તેની સમયમર્યાદા 2022 હતી જે વધારીને 2023 કરવામાં આવી હતી. હવે 2026માં ટ્રાયલ શરૂ થવાની ધારણા છે.


