- ઇરાન સમર્થિત સંગઠન તરફ શંકાની સોય
- અમે આ હુમલાનો બદલો જરૂર લઈશું : બાઇડેન
- અમેરિકી દળો પરના હુમલાને સહી નહીં લેવાય : ઓસ્ટિન
જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથક પર થયેલા ઇરાન સમર્થિત આતંકવાદી હુમલામાં અમેરિકી સૈન્યના 3 જવાનો માર્યા ગયા છે તો સંખ્યાબંધ જવાનો ઘાયલ થયા છે. સૈન્ય મથક પર થયેલા હુમલાથી લાલઘૂમ થયેલા અમેરિકી પ્રમુખ જો બાઇડેને એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા હુમલાખોરોની જવાબદારી નક્કી કરીને વળતા પગલાં લેશે. બાઇડેનનું માનવું છે કે સીરિયા અને ઇરાકમાં સક્રિય ઇરાન સમર્થિત આતંકવાદી સંગઠનોએ આ ડ્રોન હુમલાને અંજામ આપ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જારી કરેલા નિવેદન મુજબ પૂર્વ જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકની બેરેક નજીક માનવ રહિત ડ્રોનની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 34 જવાનો ઘાયલ થતાં તેમને સારવાર અપાઈ રહી છે. પ્રમુખ બાઇડેને હુમલા પાછળ ઇરાન સમર્થિત સંગઠનની વાત તો કરી પરંતુ કોઈ સંગઠનના નામનો ઉલ્લેખ નથી કર્યો. જોર્ડનના અમેરિકી સૈન્ય મથક પર કયા સંગઠને ડ્રોન હુમલો કર્યો તેની તપાસ ચાલી રહી છે.
ગાઝામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે જોર્ડનમાં કોઈક અમેરિકી સૈન્ય મથક પર હુમલો થયો હોવાની આ પ્રથમ ઘટના છે. યુદ્ધ ગ્રસ્ત વિસ્તારમાં તંગદિલી વધવાની સંભાવના છે.રવિવારે ઉત્તર જોર્ડનમાં સીરિયા સરહદે આવેલા અમેરિકી સૈન્ય મથક પર હુમલો થયો હતો.
અમેરિકી દળો પરના હુમલાને સહી નહીં લેવાય : ઓસ્ટિન
સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિને જોર્ડન પર થયેલા હુમલામાં અમેરિકી સૈનિકો પર થયેલા મૃત્યુ પરત્વે દુઃખ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અમેરિકી દળો અને પ્રમુખ બાઇડેન આવા હુમલા સહી નહીં લે. અમેરિકા પોતાના સૈનિકો અને પોતાના હિતોની જાળવણી માટે કડક કાર્યવાહી કરશે. હુમલાખોર ઇરાન સમર્થિત આતંકવાદી સંગઠનને વળતો જવાબ આપવામાં આવશે.
હુમલા સાથે અમારે સંબંધ નથીઃ ઇરાન
સંયુક્ત રાષ્ટ્રમાં ઇરાનના મિશન પ્રતિનિધિએ સોમવારે એક નિવેદન જારી કરતાં જણાવ્યું હતું કે જોર્ડનમાં થયેલા હુમલા સાથે ઇરાનને કોઈ સંબંધ નથી. હુમલા સાથે અમેરિકાને નિસ્બત ના હોવાનું કહેતાં ઇરાને જણાવ્યું કે વિસ્તારમાં અમેરિકી દળો અને તેમનો પ્રતિરોધ કરી રહેલા સમૂહો વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે. પ્રતિરોધક જૂથો જવાબી હુમલા કરતા રહે છે. બાઇડેને આ હુમલા માટે ઇરાન સમર્થિત આતંકવાદી જૂથોને જવાબદારી ઠેરવ્યા છે.


