- સિટી બસ નગર સહિત 10 કિ.મી વિસ્તારના રહીશોને લાભ મળશે
- 4 મિની બસથી પ્રારંભ થશે, ઓછામાં ઓછું ભાડુ રૂ.7,વધુમાં વધુ15 હશે
- બસનું ઓછામાં ઓછુ ભાડુ રૂ.સાત અને વધુમાં વધુ રૂ. પંદર ભાડુ લેવામાં આવશે
નડિયાદ શહેરના નગરજનોની સુખાકારી માટે આગામી ટૂંક દિવસોમાં સિટીબસ સેવા શરૂ કરવામાં આવશે. આ સિટી બસ સેવા માટે પાલિકાતંત્ર દ્વારા બસ શરૂ કરવા માટે સુરતની એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે. બુધવારે નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઇની ઉપસ્થિતમાં એજન્સીને બસ શરૂ કરવા અંગે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. નડિયાદ શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ પરીવહન યોજના અંતર્ગત નડિયાદ શહેરમાં સિટીબસ શરૂ કરવા માટે સુરતની એજન્સીને પાંચ વર્ષ માટે નગરમાં સિટી બસ સેવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ બાબતે બુધવારે સવારે 11 કલાકે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇના નિવાસ સ્થાને તેમના હસ્તે એજન્સીને સિટી બસ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.આ સંદર્ભે નગર પાલિકાના કારોબારી ચેરમેન પરીનભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નગરમાં આગામી ટૂંક દિવસોમાં સિટી બસ શરૂ થઇ જશે . આ સિટી બસ નગર સહિત 10 કિ.મી વિસ્તારના રહીશોને લાભ મળશે.સિટી બસ 32 સીટ ધરાવતી મીની બસ છે. નગરમાં ચાર સિટી બસથી પ્રારંભ કરાશે .ત્યારબાદ બીજી ચાર સિટીબસ દોડશે. આ બસનું ઓછામાં ઓછુ ભાડુ રૂ.સાત અને વધુમાં વધુ રૂ. પંદર ભાડુ લેવામાં આવશે. આ બસ સીસીટીવી કેમેરા સજજ હશે તેમ કોન્ટ્રાકટર દ્વારા જણાવવામાં આવ્યું છે. કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવા પ્રસંગે પાલિકા પ્રમુખ સહિત સિટીબસના ચેરમેન તથા કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા.


