- નકલી નોટોના 3 ગુનેગારો હજી નાસતા ફરે છે
- 2022ના કેલેન્ડર વર્ષમાં નકલી નોટોના 17 બનાવો બન્યા હતા
- 2023ના કેલેન્ડર વર્ષમાં 14 બનાવો બન્યાં હતા
નકલી કરન્સી નોટોના કિસ્સામાં ગુજરાતનો નંબર દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા બે કેલેન્ડર વર્ષમાં 31 બનાવોમાં 32,682 નકલી નોટો રાજ્યમાં પકડાઈ હોવાનું અને આ ગુનાઓમાં સંડોવાયેલા 3 આરોપીઓ હજીયે નાસતા ફરતા હોવાનું બુધવારે રાજ્ય વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર થયું છે.
પ્રશ્નોત્તરી દરમિયાન પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી માહિતી આપી હતી કે, 2022ના કેલેન્ડર વર્ષમાં નકલી નોટોના 17 બનાવો બન્યા હતા, જેમાં 14,165 નકલી કરન્સી નોટા કબજે લેવાઈ હતી, જ્યારે 2023ના કેલેન્ડર વર્ષમાં 14 બનાવો બન્યાં હતા, જેમાં 18,517 નકલી કરન્સી નોટો કબજે લેવાઈ હતી.
આ બધા બનાવોમાં કુલ 110 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આજની સ્થિતિએ હજી 3 આરોપીઓ નાસતા ફરે છે, જેમને પકડવાના હજી બાકી છે. મંત્રી દ્વારા એ જાહેર થયું ન હતું કે, પકડાયેલી કુલ 32,682 નકલી નોટો કેટલા ડિનોમિનેશનની હતી અર્થાત કેટલા રૂપિયાની હતી.


