- થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ખતરનાક સ્તરે વધી રહ્યું છે પ્રદૂષણ
- અધિકારીઓને જાહેર આરોગ્યની સુરક્ષા માટે કડક પગલાં લેવા આદેશ
- સરકારે લોકોને Work From Home કરવા આપ્યા આદેશ
પર્યટન માટે જાણીતા એવા થાઈલેન્ડના બેંગકોક શહેરમાં જોખમી સ્તરે વધી રહેલા પ્રદૂષણને જોતાં સરકારે ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. આ સમયગાળા દરમિયાન, બેંગકોકના નાગરિકોને વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા આગ્રહ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજધાની બેંગકોકમાં ગંભીર પ્રદૂષણ સંકટને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તમામ અધિકારીઓને જાહેર આરોગ્યની સુરક્ષા અને પર્યાવરણીય કટોકટીનો સામનો કરવા કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
થાઈલેન્ડની હવા બની ઝેરીલી
સાફ હવન સંદર્ભમાં થાઈલેન્ડના બેંગકોકમાં નવા વર્ષની ખરાબ શરૂઆત થઈ હતી. પર્યટનના કેન્દ્ર તરીકે ઓળખાતા બેંગકોકમાં AQI લગભગ 15 ગણો વધારે હતો. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એર મોનિટરિંગ કંપની IQ Airએ ગુરુવારે બેંગકોકને વિશ્વના ટોચના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન આપ્યું છે. સાથે જ ચેતવણી પણ જાહેર કરી હતી અને કહ્યું હતું કે આગામી થોડા દિવસો સુધી આવી સ્થિતિ જળવાઈ રહેશે. ચેતવણી જારી કરતાં તેમણે અધિકારીઓને તાત્કાલિક ઉકેલ લાવવાની સલાહ આપી છે.

સરકારે લોકોને Work From Home કરવા આપ્યા આદેશ
બેંગકોક શહેરના વહીવટીતંત્રે શહેરની કંપનીઓને ગુરુવાર અને શુક્રવારે કર્મચારીઓને ઘરેથી કામ કરવા માંટે અનુરોધ કર્યો છે. સિટી ગવર્નર ચેડચાર્ટ સિટિપન્ટે પહેલાથી જ જાહેરાત કરી હતી કે શહેરમાં કર્મચારીઓ ઘરેથી કામ કરશે. ઔદ્યોગિક ઉત્સર્જન અને વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ આ સમસ્યા માટે જવાબદાર છે.
મહત્વનું છે કે, થાઇલેન્ડ સરકારે સંકટને રોકવા માટે તાત્કાલિક ઉકેલો અમલમાં મૂકવાનું વચન આપ્યું છે. સ્વચ્છ હવા કાનૂનના ડ્રાફ્ટને ગયા મહિને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જે સૂચવે છે કે કાયદો વાસ્તવિકતાથી બહુ દૂર નથી.


