- આવકવેરા વિભાગે કોંગ્રેસના મુખ્ય બેન્ક ખાતા ફ્રીઝ કર્યા
- કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને ટ્વિટ કરીને કર્યો આક્ષેપ
- કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરે છે પરંતુ હિસાબ નથી રાખતી: પ્રસાદ
કોંગ્રેસે શુક્રવારે 16 ફેબ્રુઆરીના રોજ દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગ (IT) એ તેના મુખ્ય બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. જો કે, પાછળથી આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે આવતા અઠવાડિયે સુનાવણી સુધી એકાઉન્ટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. આ મામલે કોંગ્રેસે નિશાન સાધતાં આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારના દબાણમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના આરોપો પર ભાજપે પલટવાર કર્યો છે.
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસના આરોપો પાયાવિહોણા છે. અમે આની ટીકા કરીએ છીએ. પ્રસાદે કહ્યું કે, “કોંગ્રેસ પોતાના માટે પૈસાની સારી વ્યવસ્થા કરે છે અને ભ્રષ્ટાચાર પણ કરે છે, પરંતુ હિસાબ-કિતાબ નથી કરતી. આ રૂટિન ઇન્કમ ટેક્સ પ્રોસેસ છે. 105 કરોડના ટેક્સની માંગણી કરવામાં આવી. તેઓ આની વિરુદ્ધ ગયા. જેમાં 20 ટકા જમા કરાવવાના રહે છે. તેમણે 78 લાખ રૂપિયા જમા કરાવ્યા. અપીલમાં પણ કાર્યવાહીનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ એક રૂટિન ટેક્સ પ્રક્રિયા છે.
રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું…
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું હતું કે, આ ઈન્કમ ટેક્સનો સીધો મામલો છે. આને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી. જો જનતાએ જ મત ન આપવાનું મન બનાવી લીધું હોય તો આપણે શું કરી શકીએ? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા છે, પરંતુ તેમનું ગઠબંધન તૂટી રહ્યું છે.
કોંગ્રેસે શું કર્યો હતો આક્ષેપ?
કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “અમારી અરજી પર આયકર વિભાગ અને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે કહ્યું હતું કે અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે 115 કરોડ રૂપિયા બેંક ખાતામાં રાખવામાં આવે. અમે તેનાથી ઉપરની રકમ ખર્ચ કરી શકીએ છીએ. મતલબ કે 115 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. 115 કરોડની આ રકમ અમારા ચાલુ ખાતા કરતા ઘણી વધારે છે.
આ પહેલા માકને દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીની જાહેરાતના અમુદ દિવસો પહેલા વર્ષ 2018-19ના ઇન્કમ ટેક્સ રિટર્નને આધાર બનાવીને તેમના અનેક બેન્ક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. તેમાંથી 210 કરોડ રૂપિયાની રિકવરીની માંગ કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી – ખડગેએ સાધ્યું હતું નિશાન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ખડગેએ ટ્વિટર પર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “સત્તાના નશામાં ધૂત મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલા જ દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. આ લોકશાહી માટે ઊંડો ફટકો છે. તેમણે આરોપ લગાવ્યો કે, “ભાજપે જે ગેરબંધારણીય નાણાં એકઠા કર્યા છે તેનો ઉપયોગ તેઓ ચૂંટણીમાં કરશે, પરંતુ અમે ક્રાઉડફંડિંગ દ્વારા જે પૈસા ભેગા કર્યા છે તે સીલ કરી દેવામાં આવશે. તેથી જ અમે કહ્યું છે કે ભવિષ્યમાં ચૂંટણી નહીં થાય!
ખડગેએ કહ્યું, “અમે ન્યાયતંત્રને અપીલ કરીએ છીએ કે તે આ દેશમાં બહુ-પક્ષીય વ્યવસ્થાને બચાવે અને ભારતની લોકશાહીને સુરક્ષિત કરે. અમે રસ્તા પર ઉતરીશું અને આ અન્યાય અને સરમુખત્યારશાહી સામે મજબૂત લડત આપીશું. તો, રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું હતું, “મોદીજી ડરશો નહીં, કોંગ્રેસ પૈસાની શક્તિ નહીં પરંતુ લોકોની શક્તિનું નામ છે. અમે ક્યારેય સરમુખત્યારશાહી સામે ઝૂક્યા નથી અને ક્યારેય ઝૂકીશું પણ નહીં. ભારતના લોકતંત્રની રક્ષા માટે કોંગ્રેસનો દરેક કાર્યકર જીવ રેડીને લડશે.


