- 18 અરબ અમેરિકન ડોલરના દંડથી બચવા અપાઈ કામને મંજૂરી
- પ્રોજેક્ટથી પાકિસ્તાનની ઉર્જા જરૂરીયાતોને પૂર્ણ કરવામાં મદદ મળશે
- કેબિનેટ કમિટી ઓન એનર્જી દ્વારા પ્રોજેક્ટને અપાઈ મંજૂરી
પાકિસ્તાનની વચગાળાની સરકારે પાડોશી દેશ ઈરાન સાથે ગેસ પાઇપલાઇન નિર્માણ કાર્યને મંજૂરી આપી દીધી છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની વધતી ઉર્જા જરૂરીયાતોને પૂર્ણ કરવામાં મદદ મળશે. કેબિનેટ કમિટી ઓન એનર્જી દ્વારા ફેબ્રુઆરી બાદ થનાર નવી સરકારની રચના પહેલા આ કામને મંજૂરી આપી દેવામાં આવી છે.
ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન નિર્માણ કાર્યને મંજૂરી
એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાનની વચગાળાની સરકારે ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈનના નિર્માણ કાર્યને લીલી ઝંડી આપી દીધી છે. સમિતિએ પેટ્રોલિયમ વિભાગની ભલામણ પર કામ કરતાં પ્રથમ તબક્કામાં પાકિસ્તાન-ઈરાન સરહદથી શરૂ કરીને બલૂચિસ્તાન પ્રાંતના પોર્ટ શહેર ગ્વાદર સુધીના પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે સમર્થન આપ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના લોકોને ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રોજેક્ટને આગળ વધારવા માટે સકારાત્મક મંજૂરી આપવામાં આવી છે, જેનાથી દેશની વધતી જતી ઉર્જા જરૂરિયાતો પૂર્ણ કરી શકાશે.
18 અરબ USDના દંડથી બચવા મંજૂરી
પાકિસ્તાનની ઇન્ટરસ્ટેટ ગેસ સિસ્ટમ્સ (પ્રાઇવેટ) લિમિટેડ આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે તૈયાર છે, જેને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (GIDC) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. નિવેદનમાં પાકિસ્તાનની ઉર્જા સુરક્ષાને વધારવા અને ગેસ પુરવઠામાં સુધારો કરીને સ્થાનિક ઉદ્યોગોમાં વિશ્વાસ જગાડવા માટેના પ્રોજેક્ટના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટથી બલુચિસ્તાન પ્રાંતમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે, જેનાથી પાકિસ્તાનની એકંદર આર્થિક પ્રગતિમાં યોગદાન મળશે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવામાં અસફળ રહેવાની સ્થિતિમાં 18 અરબ અમેરિકન ડોલરના સંભવિત દંડના ડરથી પાકિસ્તાનને અનેક વર્ષોની મોડું થયા બાદ પ્રોજેક્ટને મંજૂરી આપવાની ફરજ પડી છે.
અમેરિકાના પ્રતિબંધોને લીધે અટક્યો હતો પ્રોજેટક
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસથી બચવાના ઉદ્દેશ્યથી ઇરાને સપ્ટેમ્બર 2024 સુધી 180 દિવસનો સમયગાળો આપ્યો છે. નિષ્ણાતોનું સૂચન છે કે જો પાઈપલાઈન પ્રોજેક્ટ સંબંધિત તેના અધિકારોની સુરક્ષા માટે ઈરાન દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવે તો પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ આવી શકે છે. આ પ્રોજેક્ટની શરૂઆતમાં ભારત-પાકિસ્તાન-ઈરાન ગેસ પાઈપલાઈન તરીકે કલ્પના કરવામાં આવી હતી, પરંતુ બાદમાં ભારતે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો અને હવે આ પ્રોજેક્ટ પાકિસ્તાન અને ઈરાન વચ્ચેનો દ્વિપક્ષીય પ્રોજેક્ટ બની ગયો. અત્યાર સુધી, પાકિસ્તાન તેના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે પાઈપલાઈનનું નિર્માણ કરી શક્યું ન હતું.


