- 28 ફેબ્રુઆરીએ પીએમ મોદી કરશે સ્પેસપોર્ટનું ખાતમુહૂર્ત
- અહીથી ASLV અને SSLV જેવા નાના રોકેટ લોન્ચ કરાશે
- જાણો તુતીકોરિન નું ભૌગોલિક અને ઐતિહાસિક મહત્વ
કુલસેકરાપટ્ટિનમ એ તમિલનાડુમાં આવેલું દરિયાકાંઠાનું શહેર છે. તે પ્રખ્યાત થૂથુકુડી જિલ્લામાં છે. જે પહેલા તૂતીકોરિન તરીકે ઓળખાતું હતું. મૈસુર પછી આ શહેરનો દશેરા ખૂબ જ પ્રખ્યાત છે. અહીં 12 દિવસ સુધી દશેરા ઉજવવામાં આવે છે. મોતી માટે જાણીતું તુતીકોરિન હવે રોકેટ પ્રક્ષેપણ માટે પણ જાણીતું થશે. હવે અહીંથી ASLV અને SSLV જેવા નાના રોકેટ લોન્ચ કરવામાં આવશે. ઉપરાંત ખાનગી રોકેટ લોન્ચ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
દેશનું બીજું સ્પેસપોર્ટ 2000 એકર જમીન પર બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી 2024 ના રોજ આ સ્પેસપોર્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ તમિલનાડુ રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે. શ્રીહરિકોટામાં બે લોન્ચ પેડ છે. આ ઉપરાંત તમામ લોન્ચિંગ માટે એક અલગ અસ્થાયી લોંચ પેડ બનાવવાનું રહેશે. અથવા બેમાંથી એકનો ઉપયોગ કરવો પડશે.
તમિલનાડુ અથવા તો દેશના છેડે બંગાળની ખાડી પાસે કોરોમંડલ કિનારે અને શ્રીલંકાની નજી આવેલું થૂથુકુડીને પહેલા તુતીકોરિન કહેવામાં આવતું હતું. તુતીકોરિન બંદર ભારતના મુખ્ય બંદરો પૈકીનું એક છે. તે ચેન્નાઈથી લગભગ 600 કિલોમીટર, તિરુવનંતપુરમથી 190 કિલોમીટર દૂર છે. આ બંદર પાંડયા સામ્રાજ્ય સાથે સંકળાયેલું છે જેણે અહીં 12મીથી 14મી સદી સુધી શાસન કર્યું હતું.
થૂથુકુડીમાં મોતીઓનો વેપાર થાય છે. અહીંથી જ મોતીનો વ્યવસાય કરતા લોકો દરિયામાં ડૂબકી મારીને મોતી શોધી કાઢે છે. અથવા એમ કહો કે સાગર ખેડીને મોતીની ખેતી કરે છે. અહીં મોતીના વેપારને જોઈને પોર્ટુગીઝોએ 1548માં અહી હુમલો કર્યો હતો. બાદમાં, 1658માં ડચ લોકો પણ અહી આવ્યા.
આખરે, 1825માં બ્રિટિશ શાસકોએ તૂતીકોરિન પર સામ્રાજ્ય સ્થાપ્યું. તૂતીકોરિન બંદરનું આધુનિક બાંધકામ 1842માં શરૂ થયું હતું. થૂથુકુડીમાં મોટા પ્રમાણમાં મીઠાની ખેતી થાય છે. અહીં મીઠાની સૌથી વધુ માંગ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં છે. દર વર્ષે અહીંથી 1.2 મિલિયન ટન મીઠાનું ઉત્પાદન થાય છે.


