- આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવાનો કર્યો ઇનકાર
- અલ્વીના નનૈયા પર PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આપી ચેતવણી
- રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના બંધારણનું અપમાન કર્યું છે: PML-નવાઝ
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા નવી ચૂંટાયેલી નેશનલ એસેમ્બલીનું પ્રથમ સત્ર બોલાવવાનો ઇનકાર કરવામાં આવતા નવાઝ શરીફની પાર્ટી PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ અલ્વીને કાયદાકીય પરિણામો ભોગવવા પડી શકે છે.
નેશનલ એસેમ્બલીનું પ્રથમ સત્ર બોલાવવાનો ઇનકાર કર્યો
સોમવારે, અલ્વીએ 29 ફેબ્રુઆરીએ નવી ચૂંટાયેલી નેશનલ એસેમ્બલીનું પ્રથમ સત્ર બોલાવવા માટે કાર્યવાહક સંસદીય બાબતોના મંત્રાલયના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનના નજીકના ગણાતા અલ્વીએ જણાવ્યું હતું કે સત્ર બોલાવવામાં આવે તે પહેલાં તમામ અનામત બેઠકો ફાળવવી જોઈએ જેમાં નેશનલ એસેમ્બલીના નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે.
જોકે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયે મંગળવારે અલ્વી દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને ફગાવી દીધા હતા. એમ પણ કહ્યું કે પાકિસ્તાનના બંધારણ મુજબ નેશનલ એસેમ્બલીનું સત્ર ચૂંટણીના 21 દિવસની અંદર થવું જોઈએ. બંધારણની કલમ 91 હેઠળ, નેશનલ એસેમ્બલીના પ્રથમ સત્ર માટે જરૂરી તારીખ 29 ફેબ્રુઆરી છે.
અલ્વી સામે બે કેસ દાખલ કરાશે: બિલાવલ
મીડિયા રિપોર્ટમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કહ્યું હતું કે અલ્વી વિરુદ્ધ બંધારણનું અપમાન કરવા બદલ અનેક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બિલાવલે કહ્યું કે રાષ્ટ્રપતિ અલ્વી વિરુદ્ધ બે કેસ દાખલ કરવામાં આવશે. પહેલો કેસ, 2022માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ફરિયાદ અને બીજો, નેશનલ એસેમ્બલી સત્ર ન બોલાવીને બંધારણનું અપમાન કરવાની ફરિયાદને લઈને હશે.
અલ્વીએ કર્યું બંધારણનું અપમાન: ઈશાક ડાર
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા ઈશાક ડારે પણ નિવેદન આપતા જણાવ્યું છે કે અલ્વીએ નેશનલ એસેમ્બલીનું સત્ર ન બોલાવીને બંધારણનું અપમાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીમાં પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ નેશનલ એસેમ્બલીમાં બહુમતી બેઠકો જીતી હતી. જો કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) એ નવી ગઠબંધન સરકાર બનાવવાની જાહેરાત કરી હતી.


