- પંજાબ પ્રાંત વિધાનસભાનું સમાંતર સત્ર બોલાવવાની ઈમરાન ખાનની પાર્ટીની યોજના
- સમાંતર સત્રમાં સીએમ, સ્પીકર અને ડેપ્યુટી સીએમની ચૂંટણી કરાવવામાં આવશે
- પંજાબ પ્રાંતમાં PML-Nના મરિયમ નવાઝ શરીફ બન્યા પ્રથમ મહિલા મુખ્યમંત્રી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી PTI હવે બળવાખોરી પર ઉતરી આવી છે. વાસ્તવમાં PTIએ મુખ્યમંત્રી ચૂંટણીને લઈને પંજાબ પ્રાંત વિધાનસભાનું સમાંતર સત્ર બોલાવવાની યોજના બનાવી છે. આ સમાંતર સત્રમાં સીએમ, સ્પીકર અને ડેપ્યુટી સીએમની ચૂંટણી કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભામાં મરિયમ નવાઝને સીએમ પસંદ કરી લેવામાં આવ્યા છે અને તેમણે સીએમ પદના શપથ પણ લઈ લીધા છે. પરંતુ, PTIએ દાવો કર્યો છે કે મરિયમ નવાઝ ‘ચોરી કરેલ જનાદેશ’થી મુખ્યમંત્રી બન્યા છે.
PTIએ લગાવ્યા ગંભીર આરોપ
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા અને નવાઝ શરીફ ના દીકરી મરિયમ નવાઝે ઇતિહાસ રચવાની સાથે સાથે પંજાબ પ્રાંતના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા છે અને આજે શપથ લીધા છે. પંજાબ વિધાનસભામાં 327 બેઠકો છે અને સીએમ બનવા માટે અડધા જેટલી બેઠકો એટલે કે 187 બેઠકો એટલે કે 187 વોટની જરૂર હોય છે. મરિયમ નવાઝને 220 વોટ મળ્યા છે. મરિયમ નવાઝે PTI સમર્થિત સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના ઉમેદવાર રાણા આફતાબને હરાવ્યા હતા. સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના સભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો, જેના કારણે રાણા આફતાબને એક પણ મત મળ્યો ન હતો.
હારેલ ઉમેદવારને સીએમ બનાવાયા
હવે PTIએ પંજાબ વિધાનસભાનું સમાંતર સત્ર બોલાવવાની યોજના બનાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિધાનસભાના 250 સભ્યો હાજરી આપી શકે છે. PTIના નેતા શૌકત બસરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે મરિયમ નવાઝ સહિત પંજાબ વિધાનસભાના અડધાથી વધુ સભ્યો ‘ચોરી કરવામાં આવેલ જનાદેશ’ સાથે વિધાનસભા પહોંચ્યા છે. શૌકત બસરાનો દાવો હતો કે મરિયમ નવાઝ PTI સમર્થિત ઉમેદવાર મેહર શરાફત સામે હારી રહ્યા હતા, પરંતુ બાદમાં તેમને જીતાડી દેવામાં આવ્યા હતા. PTI નેતાએ દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ધાંધલીથી દેશમાં અરાજકતા ફેલાઈ શકે છે.


