- વર્ષ 2021માં કારખાના બહારથી બાઈક ચોર્યું હતું
- એલસીબી ટીમે પકડી પાડી ચોટીલા પોલીસના હવાલે કર્યો
- પુછપરછમાં કારખાના બહારથી બાઈક ચોર્યાની કબુલાત કરી
મુળ દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા અંકીત હરજીભાઈ ચૌહાણ રાજકોટના શાપરમાં આવેલ કારખાનામાં નોકરી કરતા હતા. તા. 16-1-2021એ તેઓ બાઈક લઈને તેમના મોટાભાઈ કે જેઓ વેરાવળના અન્ય કારખાનામાં નોકરી કરતા હતા તેમને ત્યાં જમવા ગયા હતા. જમીને એકાદ કલાક પછી બહાર આવતા જોયુ તો તેઓનું બાઈક ચોરાયુ હતુ. આથી તેઓએ તા. 19મી ફેબ્રુઆરી,2021એ રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ પોલીસ મથકે રૂ.20 હજારના બાઈકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફના વિજયસીંહ પરમાર, કુલદીપભાઈ, કરશનભાઈ, ભરતભાઈ સહિતનાઓ ચોટીલા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે મઘરીખડાના બોર્ડ પાસે એક શખ્સ ચોરીના બાઈક સાથે પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફે વોચ રાખીને મઘરીખડાના 35 વર્ષીય પ્રભુ ઉર્ફે દિનેશ મોહનભાઈ મકવાણાને ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં તેણે શાપર-વેરાવળના કારખાના બહારથી બાઈક ચોર્યાની કબુલાત કરી હતી. આથી એલસીબીએ ચોરીના બાઈક સાથે આ શખ્સને ચોટીલા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


