- હાર્ટની ગંભીર બીમારીથી પીડાતી પાક.ની રહેવાસી 19 વર્ષની યુવતી આયશા રશનની હૃદયસ્પર્શી કહાની
- ચેન્નાઇની હોસ્પિટલે મફત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી આયશાને નવું જીવન બક્ષ્યું છે
- આયશા પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ સારવાર બાદ શરીરમાં ભારતીય દિલ લઈને પાકિસ્તાન પરત જશે
ભારત અને પાકિસ્તાનના સંબંધો ભલે સૌથી ખરાબ સ્તરે ચાલી રહ્યા હોય પરંતુ બન્ને દેશની જનતાના દિલ વચ્ચેના સંબંધો હજુ પણ જોડાયેલા છે. પાકિસ્તાનના કરાચીની રહેવાસી 19 વર્ષની યુવતી આયશા રશન હાર્ટની ગંભીર બીમારીથી પીડાતી હતી. તેણે પાકિસ્તાનની વિવિધ હોસ્પિટલમાં દેખાડયું તો ત્યાં પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી હતી. જો કે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે થતાં જંગી ખર્ચ તથા સારવાર માટેની પર્યાપ્ત સુવિધાના અભાવે આ યુવતી સારવાર કરાવી શકતી ન હતી. જો કે તે પછી તેણી સારવાર માટે ભારતના શરણમાં આવી અને તેણીનું કિસ્મત ચમકી ગયું. ભારતના મેડિકલ વિઝા મળી ગયાં. સાથોસાથ તેણીને મફત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી આપીને નવું જીવન બક્ષવામાં આવ્યું છે. આયશા ચેન્નાઇમાં પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ સારવાર બાદ શરીરમાં ભારતીય દિલ લઈને પાકિસ્તાન પરત જશે.
આયશાનું નસીબ કરાચીથી ચેન્નાઇ ખેંચી લાવ્યું
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આયશાના હાર્ટનો વાલ્વ લીકેજ થઈ ગયો હતો અને તેના માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જ જરૂર હતી. તેના માટે એવા ડોનરની જરૂર હતી જે હવે આ દુનિયામાં ના હોય પણ તેનું હાર્ટ યોગ્ય રીતે કામ કરતું હોય. આયશા પોતાની માતા સાથે ચેન્નાઇ પહોંચી હતી જ્યાં તેને એમજીએમ હેલ્થકેરમાં ભરતી કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં તેણીનું હાર્ટ ફેલ થઈ ગયું હોવાના કારણે તેને ECMOમાં રાખવામાં આવી હતી.
દિલ્હીના ડોનરે આયશાને હાર્ટ આપ્યું
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના મામલે આ યુવતી નસીબદાર રહી હતી. દિલ્હીમાં મૃત્યુ પામેલા 69 વર્ષના બ્રેન ડેડ ડોનરનું હાર્ટ મળી ગયું જેને પ્લેન મારફત ટૂંક સમયમાં જ ચેન્નાઇ પહોંચાડવામાં આવ્યું અને તે પછી તરત જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
દેશમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછા 35 લાખનો ખર્ચ આવે છે. આવા ભારે ખર્ચના જ કારણે ડોનર મળી આવવા છતાં પણ કેટલાક લોકો ઇલાજ કરાવી શકતાં નથી. જો કે આયશાને ફક્ત હાર્ટ જ ના મળ્યું પણ સાથે ઓપરેશનનો પૂરો ખર્ચ પણ ડૉક્ટરો અને ટ્રસ્ટે ચૂકવ્યો હતો.


