- 2.53 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2ની ધરપકડ
- ઝોન-7 LCB ટીમ દ્વારા જુહાપુરામાંથી પકડાયું ડ્રગ્સ
- ઝોન -7 LCB અને વેજલપુર પોલીસે સયુંકત તપાસ શરૂ કરી
એક બાજુ રાજ્ય સહિત દેશભરમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર માંથી ફરી એકવાર એમડી ડ્રગ્સનો વેપલો સામે આવ્યો છે. શહેર પોલીસ દ્વારા બાતમીના આધારે મહિલા સહિત બે શખ્સોની લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.
જુહાપુરા માંથી પકડાયું ડ્રગ્સ
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં ફરી એક વખત એમ. ડી. ડ્રગ્સ ઝડપાયું છે. ઝોન-7 LCB ટીમે બાતમીના આધારે શહેરના જુહાપુરા વિસ્તારમાં વોચ ગોઠવીને 2.53 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીની શાહરૂખખાન પઠાણ અને શાબિયાબાનુ અંસારી તરીકે ઓળખ થઈ છે.
દરિયાપુરની મહિલા ડ્રગ પેડલરનું નામ ખૂલ્યું
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું છે કે પકડાયેલા આરોપી રિક્ષા દ્વારા એમ. ડી. ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. આરોપીઓ એમ. ડી. ડ્રગ્સનો જથ્થો ડિલિવરી કરવા નીકળ્યા હતા. તો સમગ્ર મામલે અન્ય એક મહિલા ડ્રગ પેડલરનું નામ પણ ખૂલ્યું છે. પોલીસે દરિયાપુરની જાસ્મીન બાનું નામની મહિલા પેડલરની શોધખોળ હાથ ધરી છે. તો સમગ્ર મામલે, અમદાવાદ શહેર ઝોન -7 LCB અને વેજલપુર પોલીસે સયુંકત તપાસ શરૂ કરી છે.


