- ભારતની આર્થિક નીતિમાં ઘણી નિરંતરતા, નવી સરકાર આગળ ધપાવશે
- ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપી સુનિશ્ચિત કરવું પડશે કે તેના લાભ મોટી કંપનીઓ સુધી મર્યાદિત ન રહે
- નવી સરકાર સત્તા સંભાળ્યાના ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બને કે ના બને, ભારત તેની આર્થિક નીતિના માર્ગે આગળ વધતું રહેશે. રાજને મંગળવારે હોંગકોંગમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ભારતની આર્થિક નીતિમાં ઘણી નિરંતરતા છે. જે પણ સરકાર આવશે તે ઘણી સારી બાબતોને આગળ વધારશે. નવી સરકાર સત્તા સંભાળ્યાના ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે, જેમાં પાછલી સરકારના સારા કામો આગળ વધારાશે અને એ પણ જોવાશે કે બીજા શું ફેરફાર થઈ શકે તેમ છે?
યુનિવર્સિટી ઑફ શિકાગો બૂથ સ્કૂલ ઑફ બિઝનેસના ફાઇનાન્સના પ્રોફેસર રઘુરામ રાજને હોંગકોંગમાં યુબીએસ એશિયન ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સની સમાંતરે આપેલા આ ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને ધ્યાનમાં લેતાં મોદી સરકારમાં તે દિશામાં ખર્ચ કરવો જરૂરી હતો પણ આવનારા સમયમાં ભારતે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા પર પણ ધ્યાન આપવું પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે તેના લાભ મોટી કંપનીઓ સુધી મર્યાદિત ન રહે. બ્લુમબર્ગ ઇકોનોમિક્સનો અંદાજ છે કે ભારત 2024થી 2026 દરમિયાન નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 44.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે, જે 2030 સુધીમાં આર્થિક વૃદ્ધિ 9 ટકા સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
દોઢ મહિનાથી ચાલી રહેલી લોકસભા ચૂંટણી પહેલી જૂને સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન સાથે પૂરી થશે અને ચોથી જૂને પરિણામ જાહેર થશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી સત્તા પર આવે તેવી વ્યાપક અપેક્ષા છે.


