- પાકિસ્તાનમાં આવેલા હિંદુ અને જૈન મંદિરમાં હવે જવું સરળ થશે
- હિંગળાજ માતાના મંદિરે, ઉમરકોટના શિવ મંદિર અને જૈન મંદિરોમાં પૂજા-પાઠ કરી શકાશે
- પાકિસ્તાનના પર્યટન મંત્રીએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા સરકારમાં પ્રસ્તાવ મૂક્યો
પાકિસ્તાનમાં આવેલા પંજાબીઓના મુખ્ય ધાર્મિક સ્થળ એવા કરતારપુર કોરિડોર પછી પાકિસ્તાનના એક પ્રાંતીય મંત્રી અને ધાર્મિક કોરિડોર ખોલવા પર વિચાર કરી રહ્યા છે. સિંધના પર્યટન મંત્રી જુલ્ફીકાર અલી શાહે બુધવારે દુબઈમાં એક કાર્યક્રમમાં હતા. ત્યારે પાકિસ્તાનમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાને લઈ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને જણાવ્યું કે પાકિસ્તાન સરકાર ધાર્મિક કોરિડોર બનાવી શકે છે. જેમાં ભારતના હિંદુ અને જૈન સમુદાયના લોકો અમારા પ્રાંતમાં આવી શકે છે અને પૂજા-પાઠ કરી શકશે. કરતારપુર કોરિડોરની જેમ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં હિંદુ અને જૈન ધાર્મિક સ્થળો માટે એક કોરિડોર ખોલવાનો પાકિસ્તાન સરકાર વિચાર કરી રહી છે. જેનાથી પાકિસ્તાન સરકારને પ્રવાસન ક્ષેત્રે ફાયદો પણ થશે અને સિંધના પર્યટન મંત્રી જુલ્ફીકાર અલી શાહે આ અંગેનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
પાકિસ્તાનના ઉમરકોટમાં ભગવાન શિવનું પ્રાચીન મંદિર આવેલું છે
કાર્યક્રમમાં આગળ જણાવ્યું કે કોરિડોર ઉમરકોટ અને નગરપારકરમાં બનાવવામાં આવી શકે છે. ઉમરકોટમાં ભગવાન શિવનું મંદિર આવેલું છે. એવી માન્યતા છે કે આનું નિર્માણ બે હજાર વર્ષ પહેલાનું છે. નગરપારકરમાં ઘણા ત્યજી દેવાયેલા જૈન મંદિરો પણ આવેલાં છે.અહીં મોટી સંખ્યામાં હિંદુ વસ્તી છે. પાકિસ્તાનના ધાર્મિક સ્થળો પર જવા માટે મોટી સંખ્યામાં હિંદુ અને જૈન ભારતથી આવતા હોય છે. સિંધ સરકારના એક પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે પર્યટન મંત્રીએ પોતાના વિભાગના અધિકારીઓની સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. પાકિસ્તાનમાં ધાર્મિક સુવિધા માટે શાહે ભારત સરકારને સુક્કુ લા લરકાના માટે એક અઠવાડિયાની ફલાઈટ શરૂ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
પાડોશી દેશ પાકિસ્તામાં આશરે 75 લાખ હિંદુઓ રહે છે
મહત્ત્વનું છે કે, પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર પાકિસ્તાનમાં 75 લાખ હિંદુ રહે છે. જો કે લઘુમતી સમુદાય અનુસાર પાકિસ્તાનમાં 90 લાખથી વધુ હિંદુ રહે છે. ખૈબર પખ્તૂનખ્વામાં આવેલા પરમહંસ મહારાજની સમાધિ, બલૂચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાનું મંદિર, પંજાબ જિલ્લાના ચકવાલમાં કટાસ રાજ પરિસર અને પંજાબ જિલ્લાના મુલ્તાનમાં પ્રહ્લાદ ભગત મંદિર પાકિસ્તાનમાં કેટલાક પ્રમુખ હિંદુ મંદિરો છે.


