- કુવૈતના મંગાફમાં છ માળની ઈમારતમાં લાગેલી આગમાં 40 ભારતીયોનાં મોત
- ઈમારતના માલિક કે.જ.અબ્રાહમ મલયાલી બિઝનેસમેનના માલિકીની હતી
- એક જ ઈમારતમાં 200 મજૂરો અને કર્મચારી રહેતા હતા
કુવૈતના દક્ષિણ મંગાફમાં બુધવારે પરોઢિયે મજૂરો રહેતા હતા તે છ માળની ઈમારતમાં વિકરાળ આગ લાગી હતી. જેમાં 40 ભારતીયોનાં મોત થયા છે. આગ બુધવારે સવારે 4.30 વાગ્યે કુવૈતના દક્ષિણમાં આવેલા અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં આવેલી ઈમારતના કિચનમાં આગ લાગી હતી. આ ઈમારતમાં તમિલનાડુ, કેરળ અને ઉત્તર ભારતથી આવેલા મજૂરો રહેતાં હતા. આ ઈમારત મલયાલી બિઝનેસમેન કેજી અબ્રાહમની માલિકીની છે. મળતી માહિતી પ્રમાણે એનબીટીસીના સુપરમાર્કેટના કર્મચારી પણ આ ઈમારતમાં રહેતા હતા.
કે.જી અબ્રાહમ કુવૈતમાં સૌથી મોટા બાંધકામ જૂથ NBTC જૂથના ભાગીદાર અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ કેરળમાં ક્રાઉન પ્લાઝા, કોચીના ચેરમેન છે. આ 5 સ્ટાર હોટેલ છે. અબ્રાહમે કેરળમાં અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. હાલમાં તેમના ઘણા પ્રોજેક્ટ કેરળમાં ચાલી રહ્યા છે. કેજી અબ્રાહમ કેરળના થિરુવલ્લાના એક બિઝનેસમેન છે. KG અબ્રાહમને ‘KGA’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ KGA જૂથના સ્થાપક અને અધ્યક્ષ છે. તેઓ વર્ષ-1977થી કુવૈતમાં તેલ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો સાથે છે.
કે.જી. અબ્રાહમ ‘કેજીએ’ તરીકે જાણીતા
તેમની કંપની “નાસર એમ અલ બદ્દાહ એન્ડ પાર્ટનર જનરલ ટ્રેડિંગ એન્ડ કોન્ટ્રાક્ટીંગ કંપની WLL” (NBTC) તરીકે ઓળખાય છે. કંપની મધ્ય પૂર્વ અને ભારતીય ઉપખંડમાં શૈક્ષણિક ક્ષેત્રો ઉપરાંત એન્જિનિયરિંગ, બાંધકામ, કરાર, માર્કેટિંગના વિવિધ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી છે. KGA વિવિધ ઉદ્યોગોમાં ખાનગી કંપનીઓમાં રોકાણ કરે છે. તે તેની પોર્ટફોલિયો કંપનીઓના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવે છે અને ડી નોવો કંપનીના નિર્માણમાં સક્રિયપણે સામેલ છે.
બિલ્ડિંગમાં 200 મજૂરો રહેતા હોવાનું સામે આવ્યું
કુવૈતના મંગાફ વિસ્તારની એક છ માળની બિલ્ડિંગમાં વિકરાળ આગને લીધે 51 લોકો ભડથું થઈ ગયા હતા. જેમાં 40 ભારતીય સામેલ છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે કિચનમાં આગ લાગી અને આગ વિકરાળ બની આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. આ ઈમારતમાં કેરળ અને તમિલનાડુ સહિત 200 મજૂરો રહેતા હતા.
આગ લાગવાનું કારણ ?
કુવૈતમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે આશરે 4.30 વાગ્યે એક મજૂર કેમ્પમાં કિચનમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તે ઉપરના માળને પોતાની ઝપટમાં લઈ લીધો હતો. જેમાં અંદર રહેતા લોકો સિલબંધ કાચની બારીઓમાં ફસાઈ ગયા હતા. કેટલાક લોકો જીવ બચાવવા માટે ઈમારતથી છલાંગ પણ લગાવી હતી. જેના લીધે વધુ હોનારત જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણાં લોકો ગંભીર રીતે સળગી ગયા અને ઘણા લોકો ગૂંગળાઈ જવાથી મોતને ભેટયા હતા. ઈમરજન્સી સેવાઓ તરત એક્શનમાં આવી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સેવાઓ માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડયા હતા. મળતી વિગતો પ્રમાણે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. કારણ કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે.
જે ઈમારતમાં દુર્ઘટના સર્જાઈ તે ભાડાની હોવાનો ખુલાસો
વડાપ્રધાન મોદીથી લઈ વિદેશ મંત્રી એસ જયશંકરે કુવૈત અગ્નિકાંડ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ભારતીય રાજદૂતે સ્થિતિની સમીક્ષા કરવા હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા. બિલ્ડિંગ બાંધકામ કંપનીએ 195થી વધુ મજૂરોને રહેવા માટે ઈમારત ભાડે લીધી હતી. જેમાં મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તર ભારતથી કુવૈત ગયેલા લોકો રહેતા હતા.


