- બુધવારે પરોઢિયે કુવૈતની એક ઈમારતમાં આગ લાગતા 42 ભારતીયો મોતને ભેટયા હતા
- વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કુવૈતમાં ઈજાગ્રસ્તોા ખબર-અતર પૂછ્યા
- મૃતકોમાં 24 કેરળના હોવાનું સામે આવ્યું, મૃતકોના પરિવારને બે-બે લાખની સહાયની જાહેરાત કરાઈ
કુવૈતથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. કુવૈતના દક્ષિણ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગએ 49 લોકોને લપેટમાં લીધા છે. આ આગમાં 42 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. આ દુ:ખદ અકસ્માતમાં ભારતીયોના મોત બાદ સમગ્ર દેશ શોકમાં છે. મૃતકના સ્વજનો શોકમાં ડૂબી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ સૌપ્રથમ 6 માળની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કિચનમાં લાગી હતી અને ધીમે ધીમે આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.
PM મોદીએ કુવૈત આગની ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મોદીએ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી સહિત પીએમઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. પીએમ રિલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીના આદેશ બાદ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત પહોંચી ગયા છે.
કુવૈત આગ અંગે મહત્ત્વની જાણકારી
કુવૈત આગમાં માર્યા ગયેલા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું વિમાન C-130J મોકલવામાં આવ્યું હતું. ઘણા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત પહોંચી ગયા છે. ઘાયલ ભારતીયોની ખબર પૂછવા માટે તેઓ તરત જ જાબેર હોસ્પિટલ પહોંચ્યા. તેઓ હોસ્પિટલમાં દાખલ 6 ઘાયલોને મળ્યા, જેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે તેમને ભારત સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. મંત્રીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોના વહેલા પરત આવવાની દેખરેખ રાખવા અને ઘાયલોને મળવા કુવૈતની મુલાકાત લીધી છે.
વિદેશ મંત્રી જયશંકરે પણ જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. કેરળ સરકારે કુવૈત દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી છે. બેઠકમાં મૃતદેહોને પરત લાવવા અને રાહત પ્રયાસોનું સંકલન કરવા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કરી હતી.
કેરળ સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જ કુવૈત જશે અને લોકોની સારવાર અને મૃતકોના મૃતદેહોને ભારત પરત લાવવાના પ્રયાસોનું સંકલન કરશે.
સરકારે વળતર જાહેર કર્યું
કેરળ સરકારે માર્યા ગયેલા રાજ્યના લોકોને વળતરની જાહેરાત કરી છે. કેરળ સરકારનું કહેવું છે કે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. વાસ્તવમાં, કુવૈતમાં લાગેલી આગમાં કેરળના 24 લોકોનાં મોત થયા છે. ઘણા મૃતદેહોની ઓળખ થઈ રહી નથી. ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ જ તે મૃતદેહો ભારત લાવવામાં આવશે.
વિદેશ મંત્રીએ કુવૈતના મંત્રી સાથે વાત કરી
વિદેશ મંત્રીએ તેમના કુવૈતી સમકક્ષ અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે ફોન પર વાત કરી છે. જયશંકરે કહ્યું, “કુવૈતમાં આગની દુર્ઘટના પર કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે વાત કરી. આ અંગે કુવૈતી સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારી નક્કી કરવામાં આવશે.
તમિલનાડુના લઘુમતી કલ્યાણ અને બિન-નિવાસી તમિલ કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું કે કુવૈત આગમાં મૃત્યુ પામેલાઓમાં પાંચ તમિલનો સમાવેશ થાય છે તેવું જાણવા મળ્યું છે. પીડિતો રાજ્યના તંજાવુર, રામનાથપુરમ અને પેરાવુરાની વિસ્તારના હતા અને તેમની ઓળખ રામા કરુપ્પન, વીરાસામી મરિયપ્પન, ચિન્નાદુરાઈ કૃષ્ણમૂર્તિ, મોહમ્મદ શેરિફ અને રિચાર્ડ તરીકે કરવામાં આવી છે. કુવૈતના નાયબ વડાપ્રધાન શેખ ફહદ યુસુફ અલ સબાહ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શેખ ફહાદે કહ્યું છે કે કંપની માલિકના લોભને કારણે આ અકસ્માત થયો છે.


