- મહિલાઓએ રસ્તા પર ઊતરી આવતા વિરોધ નોંધાવતા તંત્ર દોડતું થયું
- પાલિકાએ સફઈ કામદારોની ટીમ રવાના કરી કામ હાથ ધર્યું
- એક તબક્કે મહિલાઓએ આ વિસ્તારમાંથી કચરાની પેટીઓ હટાવી લેવા ઉગ્ર વિરોધ કર્યો હતો
લીંબડીના ભલગામડા ગેટ અને ભીલપરા વિસ્તારમાં સફઈના ધાંધીયાથી પરેશાન રહીશો અને મહિલાઓએ હલ્લાબોલ કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું અને સફઈ કામગીરી હાથ ધરી હતી.
લીંબડી શહેરમાં ભલગામડા ગેટ વિસ્તારમાં જાહેરમાં ઉભરાતી કચરાપેટીઓ અને કચરા અને ગંદકીના ખડકલાઓ પર ગાયો, આખલો અને રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જ્યારે આ બાબતે વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે લીંબડી નગરપાલિકા વોર્ડના સદસ્યને તેઓએ રજૂઆત કરતા તેમની સાથે તોછડાઈભર્યા શબ્દોથી વર્તન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. એક તબક્કે મહિલાઓએ આ વિસ્તારમાંથી કચરાની પેટીઓ હટાવી લેવા ઉગ્ર વિરોધ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુધરાઈ દ્વારા પણ તાબડતોબ કચરો ભરેલી કચરાપેટી ઉઠાવી લેવાઈ હતી અને સફઈ કામદારોએ સફઈ હાથ ધરતા પોલીસે દરમિયાનગીરી કરી અને મામલો થાળે પાડયો હતો.


