- ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહે જ નિર્ણય કર્યો હતો
- મસુરીમાં ટ્રેનિંગ વચ્ચે CEO પી.ભારતીની બદલી, પલસાણાને કૃષિ વિભાગમાં મુકાયા
- ભારત સરકારે ગુજરાત કેડરના બે IPS, એક IPSને સેન્ટ્રલમા ડેપ્યુટેશન માટે એમ્પેનલ્ડ કર્યા છે
લોકસભા ચૂંટણી બાદ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા- ECIએ ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારી- CEO પી. ભારતીની જગ્યાએ રાજ્યના પ્રવાસન અગ્રસચિવ હારિત શુક્લાની નિયુક્તિ કરી છે.
સાથે જ CEO ઓફિસમાં જોઈન્ટ CEO તરીકે ફરજ ઉપર રહેલા પ્રમોટી IAS પી.ડી.પલસાણાની પણ બદલી કરી દેવાઈ છે. તેમને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શનિવારે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- GADએ ત્રણ અલગ અલગ નોટિફિકેશન દ્વારા બદલીના આદેશો કર્યા હતા. વિધાનસભા અને લોકસભા ચૂંટણી પાર ઉતારનારા CEO પી.ભારતી વર્ષ 2005ની બેચના IAS છે. હાલમાં તેઓ મસુરી ખાતે મિડ ટાઈમ કેરીયર ટ્રેનિંગ હેઠળ છે. 13મી જૂલાઈએ તેઓ પરત આવે તે પહેલા જ તેમના સ્થાને વર્ષ 1999ની બેચના હારિત શુક્લાની નિયુક્તિ કરાઈ છે. GADએ ક્લાઈમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટના અધિક સચિવ બી.એચ. તલાટીને સ્ટેટ ઈન્સ્ટિટયુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ- SIRD, અમદાવાદમાં ખાસ નિયામક તરીકે બદલી કરી છે. હવે CEOમાં પલસાણાની જગ્યા, પ્રવાસન વિભાગમાં શુક્લાની જગ્યા ખાલી રહેતા અને પી.ભારતી વેઈટિંગ ફોર પોસ્ટિંગ થતા એક કે બે સપ્તાહમાં IASમાં બદલીઓનો રાઉન્ડ આવશે.
બે IPS અને એક IAS સેન્ટ્રલ ડેપ્યુટેશન માટે એમ્પેનલ્ડ થયા
ભારત સરકારે ગુજરાત કેડરના બે IPS, એક IPSને સેન્ટ્રલમા ડેપ્યુટેશન માટે એમ્પેનલ્ડ કર્યા છે. જેમાં 1993ની બેચના IPS, અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકને DGP તરીકે, 1996ની બેચના IPS, વડોદરાના સીપી નરસિમ્હા કોમારને એડિ. DGP તરીકે એમ્પેનલ્ડ કરાયા છે.


