ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં પ્રારંભ થઇ છે. આ બેઠકમાં સ્થાનિક ચુંટણીઓ જીતવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તમામ નેતા અને કાર્યકરોએ સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત પ્રદેશ કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચુંટણી વિજય બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે એક વ્યક્તિના હોદ્દા ન હોવા જોઇએ તેવો સૈંધ્ધાંતિક નિર્ણય લેવાયો છે. જે અનુસર મને કેન્દ્રમાં મંત્રીપદની જવાબદારી મળી છે. આથી હું પ્રદેશ પ્રમુખ પદેથી મુક્ત થવા માંગુ છું. પ્રદેશમાં નવા પ્રમુખની નિયુક્તિ માટે તેમણે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે નેતા પક્ષના તમામ કાર્યકરો અને અગ્રણીઓને સાથે લઇને આગળ વધી શકે એવા નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવા જોઇએ.
આ સંમેલનમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા તથા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર અને જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં શહેર-જિલ્લા અને ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર આવવાની શક્યતા છે.


