ગુજરાત સરકારે ખાનગી શાળાઓની ફીના નિયમન માટે રચેલી ફી રેગ્યુલેટરી કમિટિ ફારસ રૂપ બની છે. જેમાં મહત્વની જજ અને ચેરમેનની મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. ફી રેગ્યુલેટરી કમિટિના સભ્યો સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ પણ થઇ રહ્યા છે. શાળા સંચાલક મંડળ દ્વારા સમગ્ર વ્યવસ્થાની ખૂબ જ ફરિયાદો થઇ છે. રાજ્ય સરકારે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં વાહવાહી લેવા માટે લાગુ કરેલ સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ હાલ કાગળ પર હોઈ તેવુ લાગી રહ્યુ છે.કારણ કે અમદાવાદ ઝોનની ફી કમિટીમાંથી ફરિયાદોને પગલે સીએ સભ્યને દૂર કરી દેવાયા બાદ હવે એક પણ સભ્ય નથી અને ચેરમેન એવા જજ પણ નથી. અમદાવાદ ઝોન ઉપરાંત અન્ય ત્રણેય ઝોનની કમિટીઓમાં પણ જજ-ચેરમેન જ નથી. આ ઉપરાંત ચારેય કમિટીઓની ઉપર એવી ફી રિવિઝન કમિટીમાં જજ-ચેરમેન નથી. આમ સરકાર ફી રેગ્યુલેશન એક્ટને લઈને નિષ્ક્રિય હોવાની ફરિયાદો ઉઠી છે.
સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત ચાર ઝોન છે.એક્ટની જોગવાઈ મુજબ દરેક ઝોનમાં ચેરમેન તરીકે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ છે.આ ઉપરાંત અન્ય ચાર મેમ્બરો છે. જેમાં એક સીએ, એક સિવિલ એન્જિનિયર કે વેલ્યુઅર અને એક મેમ્બર સ્કૂલ સંચાલક મંડળના પ્રતિનિધિ હોય છે. આમ ચેરમેન સહિત કુલ પાંચ સભ્યોની જ કમિટી હોય છે. દર ત્રણ વર્ષ માટે વિવિધ કમિટીમાં ચેરમેન સહિત અન્ય સભ્યોની પણ નિમણૂંક સરકાર દ્વારા કરવામા આવે છે. આ એક્ટ હેઠળ રાજ્યમાં આવેલી ગુજરાત બોર્ડ, સીબીએસઈ તેમજ અન્ય તમામ બોર્ડની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવે છે. એક્ટની જોગવાઈ મુજબ ફી મર્યાદાથી ઓછી ફ્રી ધરાવતી સ્કૂલોએ એફિડેવિટ કરવાની હોય છે અને ફી મર્યાદાથી વધુ ફી માંગનારી સ્કૂલોએ નાણાકીય હિસાબો-ખર્ચા અને અન્ય દસ્તાવેજો સાથે દરખાસ્ત કરવાની હોય છે.
રાજ્યમાં સૌથી મોટો ઝોન અમદાવાદ છે.કારણકે અમદાવાદમાં સૌથી વધુ સ્કૂલો છે.અમદાવાદ ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, પાટણ, સારબકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ અને મહેસાણા સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેન-જજની જગ્યા ઘણા સમયથી ખાલી છે.
આ ઉપરાંત રાજકોટની કમિટીના ચેરમેન-જજની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે.જ્યારે અન્ય બે કમિટી એવી સુરત અને વડોદરા ઝોન કમિટીના ચેરમેન-જજની મુદત પુરી થઈ ગઈ છે. આમ આ બંને કમિટીમાં પણ જજ-ચેરમેનની જગ્યા ખાલી છે.અમદાવાદ ઝોનની કમિટીમાં સીએ સભ્યને સરકારે આજે દૂર કરી દેતા હવે અમદાવાદ ઝોનની કમિટીમાં એક પણ સભ્ય નથી.ચેરમેન સહિતના તમામ સભ્યોની જગ્યા ખાલી છે. જ્યારે અન્ય કેટલીક કમિટીઓમાં જુદા જુદા સભ્યોની જગ્યા ખાલી છે તેમજ ચારેય ઝોનની ઉપર રિવિઝન કમિટી છે.ફી રેગ્યુલેશન કમિટીના નિર્ણય-ઓર્ડર સામે જો સ્કૂલને વાંધો હોય તો સ્કૂલ ફી રિવિઝન કમિટીમાં અપીલ કરે છે.
આ રીવિઝન કમિટીમાં પણ ચેરમેન-જજની જગ્યા ખાલી છે.સરકાર દ્વારા તમામ કમિટીમાં ચેરમેન-જજ નિમવા માટે પ્રક્રિયા કરી રહી છે પરંતુ ક્યારે નિમાશે તે પ્રશ્ન છે.બીજી બાજુહજુઅનેક સ્કૂલોની ૨૦૨૪-૨૫ની ફી નક્કી કરવાની બાકી છે.ઘણી મોટી સ્કૂલોની ૨૦૨૪-૨૫ની ફી નક્કી કરી દેવાઈ છે.વાલીઓ-સ્કૂલોની ફરિયાદ છે કે સમયસર ફી નિર્ધારણ થતુ નથી અને કમિટીઓમાં ચેરમેન-જજ તેમજ સભ્યો જ ન હોય તો કમિટીનો શું મતલબ?આ એક્ટનો શું મતલબ?સરકારે એકટ લાગુ તો કરી તો દીધો પરંતુ જોઈએ તેટર્લો સઘન અમલ થયો નથી.


