- ગોળીબાર છતાં પૂર્વ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પનો આબાદ બચાવ થયો
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં ફાયરિંગ થયું
- રાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓ અને સ્નાઈપરે શૂટરને ઠાર મારી દીધો
જગત જમાદાર એવા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. જેથી તેઓ ઠેર-ઠેર ચૂંટણી રેલીઓ યોજી રહ્યા છે. ગત રોજ આવી જ એક રેલી અમેરિકાના પેન્સિલવેનિયામાં યોજી હતી. જ્યાં તેઓ ચૂંટણી સભામાં જેવા સંબોધન કરી રહ્યા હતા તે સમયે તેમની પર ગોળીબાર થયો હતો. જો કે આ હુમલામાં ટ્રમ્પને તો કોઈ નુકસાન ન થયું પરંતુ સિક્રેટ સર્વિસના કર્મીએ શૂટરને ઠાર મારી દીધો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
હુમલાખોરને ઠાર મરાયો
અમેરિકાની સિક્રેટ સર્વિસના જણાવ્યા પ્રમાણે શનિવારે સાંજે 6.15 વાગ્યે એક શંકાસ્પદ 25 વર્ષીય શખ્સ પેન્સિલવેનિયાના બટલરમાં રેલી સ્થળની બહાર એક ઉંચા સ્થળેથી મંચ તરફ ઘણી ગોળીઓ ચલાવી રહ્યો હતો. જે બાદ સિક્રેટ સર્વિસ એજન્સીના એક સ્નાઈપરે આ હુમલાખોરને ઠાર માર્યો હતો અને ટ્રમ્પને ઘટનાસ્થળેથી દૂર ખસેડી લેવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં એક શૂટર, રેલીમાં આવેલ ટ્રમ્પ સમર્થકનું મોત થયું હતું. રેલીમાં ફાયરિંગને લઈ ભારે ચકચાર મચી ગઈ હતી.
હુમલાખોરને સ્નાઈપરે મારતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓની તબિયત એકદમ સ્થિર છે અને સ્થાનિક હોસ્પિટલમાં તેમની તપાસ ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર રેલીના સંબોધન સમયે આ હુમલાની ઘટનાને તમામ નેતાઓએ વખોડી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બરાક ઓબામા અને બિલ ક્લિંટને આ હુમલાની ટીકા કરી હતી.
અમેરિકાની સિક્રેટ સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્સીના કર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો છે. રેલી સ્થળેથી તાબડોબ પૂર્વ રાષ્ટ્રપતિને ખસેડી લેવામાં આવ્યા હતા અને તેમને જરૂરી મેડિકલ સેવા પુરી પાડવામાં આવી હતી. હાલ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણ સુરક્ષિત છે.


