- ચાણક્યપૂરી રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડતા બ્રિજમાંથી સળિયા દેખાયા
- બ્રિજની ઉપર સળિયા બહાર દેખાતા વાહન ચાલકોમાં અક્સ્માતનો ભય
- AMC દ્વારા ગાબડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી
અમદાવાદ શહેરમાં રસ્તાઓ અને બ્રિજ પર ગાબડા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પર ગાબડુ પડ્યુ છે અને બ્રિજ ઉપર ગાબડું પડતા બ્રિજમાંથી સળિયા દેખાવા લાગ્યા છે અને લોકો બ્રિજ પર વાહન લઈને જતા પણ ગભરાઈ રહ્યા છે.
વાહન ચાલકોને બ્રિજ પર વાહન ચલાવવામાં પણ લાગી રહ્યો છે ડર
ત્યારે ગાબડુ પડવાના કારણે બ્રિજના અન્ય ભાગમાં પણ સળિયા બહાર દેખાવા લાગ્યા છે અને વાહન ચાલકોને બ્રિજ પર વાહન ચલાવવામાં પણ ડર લાગી રહ્યો છે અને ગાબડાના કારણે ગમે તે સમયે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. ત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાબડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દર ચોમાસે શહેરમાં સમસ્યા એવીને એવી જ
ઉલ્લેખનીય છે કે શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવાની અને ભૂવા પડવાની સમસ્યા યથાવત જ છે, શહેરીજનોને આ સમસ્યામાંથી હજુ પણ છુટકારો મળ્યો નથી. ત્યારે એક તરફ તંત્ર સ્માર્ટ સીટીના દાવાઓ મોટા ઉપાડે કરી રહ્યું છે પણ શહેરની સ્થિતિ તો તદ્દન વિપરીત જ જોવા મળી રહી છે. આ પહેલા પણ વરસાદના કારણે વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો, જેને પણ એએમસીએ ગોકળગતિએ પુરવાની કામગીરી કરી હતી.
ફતેવાડી વિસ્તારમાં ભુવામાં કાર ગરકાવ થઈ હતી
તાજેતરમાં અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં પડેલા ભુવામાં કાર ગરકાવ થવાના CCTV વીડિયો સામે આવ્યો હતા. ફાયરની ટીમે ભુવામાંથી કાર બહાર કાઢી હતી. સામાન્ય વરસાદમાં મસમોટો ભુવો પડતા સ્થાનિકોમાં ખુબ જ ભય ફેલાયો છે. ચોમાસામાં કોર્પોરેશન યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિકોની માગ છે. જો કે ભુવો પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ આ જ સ્થળ પર અગાઉ એક વર્ષ પહેલા પણ ભુવો પડી ચૂક્યો છે. અગાઉ પડેલા ભુવામાં એકટીવા ચાલક ગરકાવ થયો હતો.


