- બનાસકાંઠાના અમીરગઢમાં ગાજવીજ સાથે વરસાદ
- અમીરગઢના બજારોમાં વરસાદી પાણી ભરાયા
- તાલુકાના તમામ ગામડાઓમાં વરસાદી માહોલ
સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અમીરગઢના બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. આસપાસના તાલુકાના તમામ ગામડાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે.
વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ત્યારે અમીરગઢમાં મોડામોડા સિઝનનો પ્રથમ વરસાદ જામતા લોકોમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ધરતીપુત્રોમાં પાણી જોઈને આનંદ છવાઈ ગયો છે. ત્યારે શહેરના બજારોમાં વરસાદી પાણી ભરાતા નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
મેઘરજમાં મેઘરાજા વરસ્યા
અરવલ્લીના મેઘરજના કેથોલિક પાસે વરસાદી પાણી ભરાયુ છે અને પંચાલ રોડ પર ડુંગર પરથી વરસાદી પાણી ઉતર્યુ છે, જેના કારણે પાણી ભરાતા સ્થાનિકોને મોટી મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ લુણાવાડામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે મોડાસા, મેઘરજ અને ખાનપુર વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી
રાજ્યના મહેસાણા, મહીસાગર, પંચમહાલ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા,અમદાવાદ, મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, આણંદ, ગાંધીનગર, ભરૂચ, તાપી, અને દમણ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
119 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં વહેલી સવારે 6થી 8 વાગ્યા સુધી 2 કલાકમાં જ 119 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ લુણાવાડામાં 4 ઈંચ, મેઘરજમાં 2 ઈંચ વરસાદ, મોડાસામાં 2 ઈંચ, ખાનપુરમાં પોણા બે ઈંચ, ક્વાંટમાં 1.5 ઈંચ, વિરપુરમાં 1.5 ઈંચ વરસાદ, દહેગામમાં 1 ઈંચ, માલપુર , બાયડ અને છોટાઉદેપુરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજ્યના 44થી વધુ જળાશયો પાણીથી છલકાયા છે. ત્યારે 53 ટકાથી વધુ સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.


