- ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર મોટી વાત કહી
- કોવીડ દરમિયાન ચીની સેનાએ ભારતમાં પ્રવેશ કર્યો: એસ. જયશંકર
- ચીન સાથે ખરાબ અનુભવને લીધે સંબંધો સારા નથી: વિદેશમંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે બેઇજિંગ સાથે નવી દિલ્હીના સંબંધો બહુ સારા નથી ચાલી રહ્યા. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે કેવી રીતે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી.
જાપાનની રાજધાની ટોક્યોમાં પ્રેસ સાથે વાત કરતા જયશંકરે કહ્યું, “અમારા અનુભવના આધારે ચીન વિશે અમારી પાસે મંતવ્યો છે. ચીન સાથેના અમારા સંબંધો બહુ સારા નથી ચાલી રહ્યા. તેનું મુખ્ય કારણ એ છે કે 2020માં કોવિડ રોગચાળા દરમિયાન ચીને મોટી સંખ્યામાં સૈનિકો સરહદી વિસ્તારોમાં લાવીને અમારી સાથેના કરારોનું ઉલ્લંઘન કર્યું હતું અને જેના લીધે બંને તરફના સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.
જાપાનમાં QUADની બેઠક
ક્વાડ (Quadrilateral Security Dialogue)ના નેતાઓએ જાપાનની રાજધાની ટોક્યોમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ક્વાડ મીટિંગમાં સામેલ તમામ નેતાઓએ સર્વસંમતિથી ચીનને કડક સંદેશ આપ્યો હતો. જૂથે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ દેશ બીજા પર પ્રભુત્વ મેળવી શકે નહીં. આ નિવેદન દ્વારા ક્વાડ દેશોએ ચીનની વધતી આક્રમકતા અને પ્રભાવને પડકાર્યો છે. ક્વાડમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ તમામ દેશો ઈન્ડો-પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે એક થઈ રહ્યા છે. ચીન ઈન્ડો-પેસિફિકમાં સતત પોતાનો હિસ્સો વધારી રહ્યું છે. ક્વાડ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જોઈએ અને પ્રદેશની શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારની એકપક્ષીય કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ. આ સંદર્ભમાં, ક્વાડે ચીનની ગતિવિધિઓ પર સીધો સંબોધન કરીને તેનું કડક વલણ દર્શાવ્યું.


