- વરસાદી પાણીનો નિકાલ કરવા ખેડૂતોની માગણી
- પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત
- જમીનમાં વરસાદી પાણી ભરાતા ડાંગરનો પાક ગરકાવ થઈ ગયો છે
ધોળકા તાલુકાના ખાત્રીપુર ગામની સીમમાં 100 થી 200 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયા છે. જમીનમાં વરસાદી પાણી ભરાતા ડાંગરનો પાક ગરકાવ થઈ ગયો છે.
વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. ત્યારે ખેડૂતો એ તા. 31 જુલાઈ બુધવારે ખાત્રીપુર ગામના સરપંચ સુરેશભાઈ ઠાકોરની આગેવાનીમાં ખાત્રીપુર ગામના ખેડૂતોએ ધોળકાના પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે આસપાસના ગામોનું વરસાદી પાણી ખાત્રીપુર ગામના સીમાડામાં આવે છે. ચોમાસામાં અમારા ગામના ખેડૂતો ડાંગરની રોપણી કરે છે. આ ડાંગરના ખેતરમાં મોટી માત્રામાં વરસાદી પાણી ભરાતા પાણીનો નિકાલ ન હોવાથી ડાંગરનો પાક કોવાય જાય છે. અને અમે ચોમાસુ ડાંગરનો પાક લઇ શકતા નથી. પ્રાંત અધિકારી એ ખેડૂતોની રજુઆતો સાંભળી આ સમસ્યા હલ કરવા હૈયાધારણ આપી હતી. વહેલી તકે આ વરસાદી પાણી નો નિકાલ કરવામાં આવે તેવી ખત્રીપુર ના ખેડૂતો એ માંગ કરી છે.


