- ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ જારી કર્યો
- ઈઝરાયેલને ઈસ્માઈલ હાનિયાની હત્યાની કિંમત ચૂકવવી પડશે
- નાગરિકોને નુકસાન ન થાય તેવી રીતે હુમલો કરવાની તૈયારીઓ શરૂ
ઈરાન હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા માટે બેતાબ છે. હાનિયાના મૃત્યુને લઈને લેબનોનના હિઝબુલ્લાહ, ઈરાકના ઈસ્લામિક જેહાદ, યમનના હુથી અને સીરિયાના શિયા જૂથોએ પહેલેથી જ ધમકી આપી છે કે ઈઝરાયેલે આની ભારે કિંમત ચૂકવવી પડશે. હવે ઈરાનના સર્વોચ્ચ નેતાએ IRGC અને ઈરાન આર્મીને બદલો લેવાની તૈયારી કરવાનો આદેશ આપ્યો છે.
અલી ખમેનીએ ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ જારી કર્યો
ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેનીએ ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ જારી કર્યો છે. સર્વોચ્ચ નેતાએ હાનિયાના મૃત્યુ પછી જ કહ્યું હતું કે ઈઝરાયેલને અમારા મહેમાનની હત્યાની કિંમત ચૂકવવી પડશે. હત્યા બાદ સુપ્રીમ લીડરના ઘરે ઈરાનના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, માનવામાં આવે છે કે આ બેઠકમાં બદલો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મળતી માહિતિ પરથી લાગે છે કે ઈરાન ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે.
હુમલો ઘણી બાજુથી થઈ શકે છે
ઈરાને આ પહેલા પણ ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો હતો, પરંતુ ત્યારબાદ ઈઝરાયેલ અને તેના સહયોગી દળોએ તેના તમામ રોકેટ અને ડ્રોન અટકાવી દીધા હતા. ઈરાનના લશ્કરી કમાન્ડરોએ આવા જ બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી છે. એવા પણ સમાચાર છે કે સૈન્ય કમાન્ડરો હુમલાની એવી રીતો શોધી રહ્યા છે જેમાં નાગરિકો જીવ ન ગુમાવે.
આ વખતે ઈરાન તેના પ્રોક્સીઓ સાથે મળીને હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો સીરિયા, ઈરાક, યમન, લેબેનોન અને ઈરાન દ્વારા એક સાથે ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવશે તો તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને તેમને રોકવામાં મુશ્કેલી પડશે. જો સેંકડો રોકેટમાંથી બે-ત્રણ રોકેટ પણ ઈઝરાયલના હવાઈ સંરક્ષણમાં ઘૂસી જાય અને શહેરો પર પડે તો ઈરાન કહી શકે કે તેણે હાનિયાના મોતનો બદલો લઈ લીધો છે.
ઈઝરાયેલ એલર્ટ
હાનિયાના મોત બાદ ઈઝરાયેલ એલર્ટ પર છે. જો કે ઈઝરાયેલે આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ એ વાત કોઈનાથી છુપી નથી કે ઈઝરાયેલનો આ પ્રકારના ઓપરેશનને અંજામ આપવાનો લાંબો ઈતિહાસ છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે ઇરાનની જવાબી કાર્યવાહીની ધમકીનો જવાબ આપતા કહ્યું કે ઈરાન કોઈપણ મોરચે અમારી વિરુદ્ધ કોઈપણ આક્રમક કાર્યવાહીની ભારે કિંમત ચૂકવશે.
અમેરિકાએ સંડોવણીનો કર્યો ઈનકાર
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને હાનિયાની હત્યામાં અમેરિકાની સંડોવણીનો ઈન્કાર કર્યો છે. અમેરિકાને હાનિયાની હત્યા અંગે કોઈ જાણકારી નથી અને ન તો અમેરિકા તેમાં સામેલ છે.


