- પ્રસાદ ધરાવવા મહિલાએ ઓનલાઇન કેસર લાડુ મંગાવેલા
- એક્સ્પાયરી ડેટ પણ દર્શાવી ન હતી, તંત્રે સીલ મારી સંતોષ માન્યો
- પાર્સલ ખોલતા જ લાડુ પર ફુગનું આવરણ જામેલું જોવા મળ્યું હતું
શહેરમાં ઓનલાઇન મંગાવેલી મીઠાઈમાંથી ફૂગ નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. શ્રાવણ માસ શરૂ થઈ ગયો હોવાથી ભગવાનને પ્રસાદ ધરાવવા માટે મણિનગરમાં રહેતા એક પરિવારે ગ્વાલિયા સ્વિટ્સમાંથી ઓનલાઇન માવા કેસર લાડુ મગાવ્યા હતા.
જોકે પાર્સલ ખોલતા જ લાડુ પર ફુગનું આવરણ જામેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ મહિલા ફરિયાદ કરવા દુકાને પહોંચી હતી તો દુકાનની અંદર ઘણી મીઠાઈઓ પર ફંગસ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મીઠાઈ બનાવવાની તારીખ અને એક્સપાયરી ડેટ પણ લખેલી ન હતી. હાલ તો મ્યુનિ.ના આરોગ્ય વિભાગે નોટિસ આપી દુકાન સીલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો પ્રસાદરૂપે ભગવાનને અલગ અલગ મીઠાઈઓ ભોગ ધરાવે છે. ત્યારે કેટલાક વેપારીઓ નફાખોરી કરવા માટે બિન્દાસ્તપણે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. વેપારીઓ રીતસર લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યા છે.


