- યુક્રેનના મોટા શહેર કીવ પર રશિયાએ મોટી એર સ્ટ્રાઈક કરી
- જો કે યુક્રેને પણ રશિયાના 53 ડ્રોનને હવામાં જ નષ્ટ કરી નાખ્યા
- જેલેન્સકીએ દાવો કર્યો કે, હુમલામાં ઉત્તર કોરિયાની મિસાઈલોનો ઉપયોગ કર્યો
રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધમાં યુક્રેને ગત કેટલાક દિવસોથી રશિયાના કુર્સ્ક સીમા વિસ્તારમાં પોતાના સૈન્ય ઘૂસણખોરી તેજ કરી છે. આની પર શનિવારે મોડી રાત્રે યુક્રેની રાષ્ટ્રપતિ જેલેન્સકીએ પોતાનું મૌન તોડયું છે. પોતાના સંબોધનમાં તેમને કુર્સ્ક ક્ષેત્રમાં યુદ્ધને પ્રોત્સાહન આપવા ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીઓને અપ્રત્યક્ષ રીતે સ્વીકાર કર્યો છે.
આ દરમિયાન મોડી રાત્રે રશિયાએ કીવ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં ચાર વર્ષનાં બાળક સહિત બે લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. જયારે રશિયાના એરફોર્સ દ્વારા તોડી પડાયેલી ઘણી યુક્રેની મિસાઈલોમાંથી એક રહેણાક ઈમારત પર ધરાશાયી હતી. જેમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ચાલુ મહિને કીવને બીજીવાર ટાર્ગેટ બનાવ્યું
યુક્રેની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ યુક્રેન પર ચાર બેલેસ્ટિક મિસાઈલો અને 57 શાહિદ ડ્રોનથી હુમલો કર્યો. આમાંથી 53 ડ્રોનને એરફોર્સે તોડી પાડયા હતા. યુક્રેનની સ્ટેટ ઈમરજન્સી સર્વિસ પ્રમાણે રવિવારે કીવના એક જિલ્લામાં રહેણાક વિસ્તારમાં મિસાઈલોના ટુકડા પડવાથી એક વ્યકિત અને તેના દીકરાનું મોત થયું હતું.
આ દરમિયાન રશિયા પર આક્રમણ છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, કુર્સ્ક, વોરોનિશ, બેલગોરોડ, બ્રાંસ્ક અને ઓર્યોલ વિસ્તારમાં આખી રાતમાં 35 ડ્રોન તોડી પાડયા હતા. યુક્રેને રવિવારે રશિયાની અંદર થયેલા ડ્રોન હુમલા પર કોઈ નિવેદન નથી આપ્યું.


