- ફ્રાન્સના શહેર કોલમ્બે-લેસ-બેલેસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે
- બે રાફેલ ફાઈટર પ્લેન હવામાં અથડાઈને જમીન પર પડી ગયા હતા
- એક એરક્રાફ્ટ ઈન્સ્ટ્રક્ટર અને ટ્રેઈની પાઈલટ હજુ પણ ગુમ છે
ફ્રાન્સના શહેર કોલમ્બે-લેસ-બેલેસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, મળતી માહિતી મુજબ, બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટ હવામાં અથડાઈને જમીન પર પડી ગયા હતા. નાગરિક અને સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે રાફેલ એરક્રાફ્ટમાં સવાર ક્રૂ મેમ્બરની શોધ ચાલુ છે. આ મામલામાં પેરિસમાં વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું કે બંને વિમાનોએ સેન્ટ-ડિઝિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી.
વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના દરમિયાન રાફેલ વિમાનમાં સવાર એક પાયલટ પોતે વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ અન્ય વિમાનમાંથી એક એરક્રાફ્ટ ઈન્સ્ટ્રક્ટર અને ટ્રેઈની પાઈલટ હજુ પણ ગુમ છે. અમે હજુ બીજા ક્રૂની શોધમાં છીએ.
રક્ષા મંત્રીએ આપી માહિતી
આ મામલામાં ફ્રાન્સના રક્ષા મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, એક પાઈલટ સુરક્ષિત અને સ્વસ્થ જોવા મળ્યો છે. ઓપરેશનમાં સામેલ સશસ્ત્ર દળો અને પોલીસનો આભાર માનતા તેમણે કહ્યું કે દુર્ઘટના બાદ પણ શોધખોળ ચાલુ છે. બંને વિમાનો વચ્ચે અથડામણનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી.
ડેપ્યુટી મેયરે અકસ્માત અંગે જણાવ્યું
દરમિયાન કોલમ્બે-લેસ-બેલેસના ડેપ્યુટી મેયર પેટ્રિસ બોનોક્સે જણાવ્યું હતું કે અમે બપોરે 12:30 વાગ્યાની આસપાસ જોરદાર અવાજ સાંભળ્યો હતો. સાઉન્ડ બેરિયર તોડતા ફાઈટર જેટનો આ સામાન્ય અવાજ નહોતો. તે એક ભયાનક અવાજ હતો. તેણે કહ્યું કે, મેં ધાર્યું હતું કે બે વિમાનો એકબીજા સાથે ટકરાયા છે, પરંતુ અમે માની શકતા નથી.
રાફેલ એરક્રાફ્ટની વિશેષતા?
રાફેલ એક બહુ-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે, જેનો ઉપયોગ દુશ્મનના એરક્રાફ્ટનો શિકાર કરવા, જમીન અને દરિયાઈ લક્ષ્યો પર હુમલો કરવા, જાસૂસી કરવા અને ફ્રાન્સના પરમાણુ હથિયારો વહન કરવા માટે થાય છે. રાફેલ એ ફ્રેન્ચ શસ્ત્ર ઉદ્યોગ માટે સૌથી વધુ વેચાતું એરક્રાફ્ટ પણ છે. પરંતુ રાફેલ જેટને લગતા અકસ્માતો બહુ ઓછા છે. અગાઉ ડિસેમ્બર 2007માં દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં ન્યુક્વેન પાસે રાફેલ જેટ ક્રેશ થયું હતું. તપાસકર્તાઓએ તારણ કાઢ્યું હતું કે પાઇલટ અસ્વસ્થ થઈ ગયો હતો. એવું માનવામાં આવે છે કે આ રાફેલની પ્રથમ દુર્ઘટના હતી.


