- ઈમરાન ખાનની મુક્તિ માટે સમર્થકોએ સરકારનો ઉગ્ર વિરોધ કર્યો
- પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિ માટે રેલી કાઢી
- પોલીસ ટીમે ઈમરાન ખાનના સેંકડો સમર્થકોની અટકાયત કરી
પાકિસ્તાનમાં હાલ ગરીબી, મોંઘવારી અને મંદીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાનની સ્થિતિ પણ ક્યાંકને ક્યાંક બાંગ્લાદેશ જેવી જ થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે સમર્થકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
સરકારનો ઉગ્ર વિરોધ કર્યો
પાકિસ્તાનના રસ્તાઓ પર પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિ માટે રેલી કાઢી હતી. સાથે જ ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફે શાહબાઝ સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
લોકો દેશની હાલત માટે સરકારને દોષ આપે છે
મહત્વનું છે કે, પાકિસ્તાનની અડધાથી વધુ વસ્તી દેશની ખરાબ હાલત માટે સરકારને દોષ આપી રહી છે. ત્યારે આવામાં ઈમરાનના સમર્થકોનો હોબાળો શાહબાઝ શરીફ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. બાંગ્લાદેશ જેવી સ્થિતિ પાકિસ્તાનમાં પણ જોવા મળી શકે છે એમ કહેવું પણ ખોટું નહીં હોય.
પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર
તમને જણાવી દઈએ કે કાર્યકરો મંગળવારે મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. હજારો લોકો રસ્તાઓ પર હતા. બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી. એવા ઘણા વિસ્તારો હતા જ્યાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. ઈમરાન ખાનની મુક્તિની માંગને લઈને પાકિસ્તાનના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
ઈમરાન ખાનના સેંકડો સમર્થકોની અટકાયત
પોલીસ ટીમે ઈમરાન ખાનના સેંકડો સમર્થકોની અટકાયત કરી છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે ઈમરાન ખાનની મુક્તિ માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ઈમરાન ખાનની મુક્તિ માટે વિશાળ રેલીની ઘણી યોજનાઓનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ઈમરાન ખાનની સામે 200 થી વધુ કેસ
ઈમરાન ખાનની ગયા વર્ષે 5 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેમને પહેલા એટોક જેલમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલપિંડીની અદિયાલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. તેની સામે 200 થી વધુ કેસ નોંધાયેલા છે અને તેમાંથી કેટલાકમાં તે દોષિત ઠર્યો છે.


