- પીએમ મોદી આ સ્પેશિયલ ટ્રેન રેલ ફોર્સ વન દ્વારા 23 ઓગસ્ટે પોલેન્ડથી યુક્રેન જશે
- વિશ્વના નેતાઓ ટ્રેનમાં મુસાફરીને યુક્રેન જવા માટે સૌથી સુરક્ષિત માને છે
- રેલ ફોર્સ વનમાં લક્ઝરીની સાથે-સાથે સિક્યોરિટીનું પણ ખાસ ધ્યાન રખાયું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે રવાના થયા છે. ત્યારે વડાપ્રધાન પોલેન્ડ બાદ 23 ઓગસ્ટે યુક્રેન જશે. તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના આમંત્રણ પર કિવ જઈ રહ્યા છે. તેમના યુક્રેન પ્રવાસની ખાસિયત એ છે કે તેઓ સ્પેશિયલ ટ્રેન રેલ ફોર્સ વન દ્વારા પોલેન્ડથી કિવ જશે. આવી સ્થિતિમાં આ લક્ઝરી ટ્રેનની વિશેષતા જાણવી જરૂરી બની જાય છે.
વિશ્વના નેતાઓ કરી ચૂક્યા છે આ ટ્રેનમાં મુસાફરી
યુક્રેનમાં યુદ્ધના કારણે એરપોર્ટ મોટાભાગે બંધ છે જ્યારે રોડ દ્વારા મુસાફરી કરવી ખૂબ જોખમી છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં વિશ્વના નેતાઓ ટ્રેનમાં મુસાફરીને યુક્રેન જવા માટે સૌથી સુરક્ષિત માને છે. પરંતુ આ કોઈ સામાન્ય ટ્રેન નથી પરંતુ ખાસ રીતે ડિઝાઈન કરેલી લક્ઝરી ટ્રેન છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનથી લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝ સુધી બધાએ મુસાફરી કરી છે.
ટ્રેનથી PM મોદીને કેટલો સમય સફર કરશે?
પીએમ મોદી આ સ્પેશિયલ ટ્રેન દ્વારા 23 ઓગસ્ટે યુદ્ધગ્રસ્ત યુક્રેન પહોંચશે. યુક્રેનિયન રેલવે કંપની Ukrzaliznytsiaના CEOએ તેનું નામ રેલ ફોર્સ વન રાખ્યું છે. આને યુક્રેનની આયરન ડિપ્લોમસિ તરીકે જોવામાં આવે છે. વડાપ્રધાન મોદી આ વિશેષ ટ્રેન દ્વારા કુલ 20 કલાકની મુસાફરી કરશે. તેમાંથી 10 કલાક યુક્રેન પહોંચવામાં અને 10 કલાક યુક્રેનથી પોલેન્ડ પાછા પહોંચવામાં લાગશે.
લક્ઝરી અને સિક્યોરિટીનું પેકેજ છે આ ટ્રેન
આ લક્ઝરી ટ્રેન ફોર્સ વન એક ખાસ ટ્રેન છે. આ ટ્રેનની અંદર ખાસ લાકડાથી તૈયાર કેબિન બનાવવામાં આવી છે. બેઠકો માટે લાંબા ટેબલ અને સોફા ગોઠવવામાં આવ્યા છે. ટીવીની પણ સુવિધા છે. એટલું જ નહીં, સૂવા માટે આરામદાયક પથારી છે.
આ ટ્રેન ક્રીમિયા જતા પ્રવાસીઓ માટે બનાવામાં આવી હતી
આ લક્ઝરી ટ્રેનોને ક્રીમિયા જતા પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવી હતી. પરંતુ રશિયાએ 2014માં ક્રીમિયા પર કબજો કરી લીધો હતો. ત્યારથી આ ટ્રેનોનો ઉપયોગ યુદ્ધના સમયે વિશ્વના નેતાઓ અને VIP મહેમાનોને પરિવહન કરવા માટે કરવામાં આવે છે.
આ ટ્રેનોના સફળ સંચાલનનો શ્રેય યુક્રેન રેલવેના CEO જાય છે
આ ટ્રેનોમાં ઇલેક્ટ્રિક એન્જિનને બદલે ડીઝલ એન્જિન હોય છે. આનું કારણ એ છે કે હુમલામાં પાવર ગ્રીડ પ્રભાવિત હોવા છતાં પણ ટ્રેન સામાન્ય રીતે ઓપરેટ થતી રહે. આ ટ્રેનોના સફળ સંચાલનનો શ્રેય યુક્રેન રેલવેના CEO કૈમિશિનને જાય છે. તેમને 2021માં રેલવેના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં દેશભરમાં ટ્રેનોની અવરજવર સામાન્ય રહી છે. રેલવેના CEO ખાસ કરીને આ વિશેષ લક્ઝરી ટ્રેનોમાં VIP મહેમાનોની મુસાફરી દરમિયાન સુરક્ષા પર નજર રાખે છે. જેના કારણે અત્યાર સુધી આ ટ્રેનોમાં સુરક્ષા ભંગનો એક પણ મામલો સામે આવ્યો નથી.
ડિપ્લમેટિક પગલું!
પીએમ મોદીની યુક્રેનની મુલાકાત ડિપ્લમેટિક મિશન કરતાં વધુ છે. આને તેમની સંતુલનની કૂટનીતિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ જુલાઈમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. પુતિનને મળ્યા બાદ જ તેઓ યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવાના છે. એક રીતે જોઈએ તો ઝેલેન્સકી સાથે પીએમ મોદીની આ ચોથી મુલાકાત હશે.


