બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ વધુ બે હત્યાના કેસ નોંધવામાં આવ્યા છે, જેનાથી તેમની વિરુદ્ધ કેસની કુલ સંખ્યા 94 થઈ ગઈ છે. બુધવારે મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી હતી. શેખ હસીનાએ ગયા મહિને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત ગયા હતા. અવામી લીગના નેતા હસીના સામે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 94 કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા પ્રણાલી સામે વિદ્યાર્થીઓના મોટા વિરોધ દરમિયાન થયેલી હત્યાઓ સાથે સંબંધિત છે.
કોણે કર્યો કેસ?
મીડિયા રિપોર્ટ મુજબ 19 જુલાઈએ વિરોધ પ્રદર્શન દરમિયાન ઢાકાના રહેવાસીની હત્યાનો કેસ બુધવારે શેખ હસીના અને અન્ય 26 લોકો સામે નોંધવામાં આવ્યો હતો. મૃતકની પત્નીએ ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અફનાન સુમીની કોર્ટમાં કેસ દાખલ કર્યો, જેમણે ‘પોલીસ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન’ને તપાસ બાદ રિપોર્ટ સોંપવા કહ્યું. આ મામલામાં પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન, અવામી લીગના મહાસચિવ ઓબેદુલ કાદેર અને અવામી લીગ અને તેના અગ્રણી સંગઠનોના ઘણા નેતાઓ અને કાર્યકરો આરોપી છે. મૃતકની પત્નીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે 19 જુલાઈના રોજ બાંગ્લાદેશ ટેલિવિઝન ભવનની સામે તેના પતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વિદ્યાર્થી મૃત્યુ કેસ
શેખ હસીના ભૂતપૂર્વ કાયદા પ્રધાન શફીક અહેમદ, ભૂતપૂર્વ એટર્ની જનરલ એએમ અમીન ઉદ્દીન, સુપ્રીમ કોર્ટના વકીલ તાનિયા આમિર અને અન્ય 293 લોકો વિરુદ્ધ જાત્રાબારી વિસ્તારમાં એક વિદ્યાર્થીના મૃત્યુના સંબંધમાં વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. મૃતક વિદ્યાર્થીની માતાએ રવિવારે જાત્રાબારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે તેમના પુત્રએ 5 ઓગસ્ટે અનામત સુધારણા આંદોલનમાં ભાગ લીધો હતો અને સવારે 9 વાગ્યે જ્યારે તે જાત્રાબારી પોલીસ સ્ટેશન ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. તેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


